School Case: અમદાવાદમાં સેવન્થ ડે સ્કૂલના વિદ્યાર્થીની હત્યા કરનાર કિશોરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલાયો

અમદાવાદના મણિનગર વિસ્તારમાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં નયન સંતાણી નામના વિદ્યાર્થીની સાથી વિદ્યાર્થી દ્વારા કરાયેલી હત્યાના ચકચારભર્યા કેસમાં મહત્વપૂર્ણ કાર્યવાહી થઈ છે. ખોખરા પોલીસે શુક્રવારે (22 ઓગસ્ટે) આરોપી કિશોરને ખાનપુર સ્થિત જુવેનાઇલ જસ્ટિસ બોર્ડ સમક્ષ કડક સુરક્ષા વચ્ચે રજૂ કર્યો હતો.
સુરક્ષાની ચુસ્ત વ્યવસ્થા
કિશોરની રજૂઆત દરમિયાન બોર્ડ કચેરીએ પોલીસનો લોખંડી જાપ્તો ગોઠવાયો હતો. સુરક્ષા કારણોસર બોર્ડ રૂમમાં માત્ર ફરિયાદી પક્ષના એડવોકેટ, કિશોરના એડવોકેટ અને સરકારી વકીલ અમિત તિવારીને જ પ્રવેશ અપાયો હતો. બાકીના પોલીસ જવાનોને પણ બહાર જ ઊભા રાખવામાં આવ્યા હતા.
કિશોરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલ્યો
પક્ષકારોને સાંભળ્યા બાદ બોર્ડના ચેરમેન એમ.વી. પંડ્યાએ કિશોરને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલવાનો આદેશ આપ્યો. સાથે જ તેની 14 દિવસની અવધિ માટે કાઉન્સેલિંગ કરાશે. ત્યારબાદ કિશોરની વર્તણૂક, માનસિક સ્થિતિ અને અન્ય પરિસ્થિતિઓ અંગે વિગતવાર રિપોર્ટ બોર્ડ સમક્ષ રજૂ કરાશે.
સ્કૂલની બેદરકારી ફરી સામે આવી
ક્રાઈમ બ્રાન્ચની તપાસમાં ખુલ્યું છે કે હત્યાગ્રસ્ત નયન સંતાણી પર હુમલો થયા બાદ તે 30 મિનિટ સુધી સ્કૂલ કેમ્પસના ઓટલા પર લોહીલુહાણ હાલતમાં પડ્યો રહ્યો, છતાં સ્કૂલના સિક્યુરિટી ગાર્ડ કે શિક્ષકોએ તેને હોસ્પિટલ લઈ જવાની ઝંઝટ લીધી નહોતી. પોલીસને CCTV ફૂટેજ મળ્યા બાદ આ ગંભીર બેદરકારી સામે આવી છે.
આગળની કાર્યવાહી
હાલ કેસમાં આરોપી કિશોર બાળ સંરક્ષણ ગૃહમાં છે. ક્રાઈમ બ્રાન્ચે સ્કૂલ અને તેના પ્રિન્સિપાલ સામે પણ બેદરકારી બદલ ગુનો દાખલ કર્યો છે. આ બનાવને કારણે વાલીઓ, સિંધી સમાજ અને અન્ય સંગઠનોમાં ભારે રોષ વ્યાપ્યો છે.