Sevneth Day School Case CCTV Video : નયન લોહીલુહાણ થયો, પણ સ્ટાફ તમાશો જોતો રહ્યો!

અમદાવાદની સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 10ના વિદ્યાર્થી નયનની હત્યાને 15 દિવસ વીતી ગયા છે. 19મી ઓગસ્ટે બનેલી આ ઘટનાનો એક CCTV વીડિયો સામે આવ્યો છે, જેમાં શાળાના કર્મચારીઓની બેદરકારી સ્પષ્ટપણે જોવા મળે છે.
CCTV ફૂટેજમાં શું જોવા મળ્યું?
આ વીડિયોમાં, બપોરે 12:53 વાગ્યે નયન પીળા ટી-શર્ટ અને સફેદ પેન્ટમાં શાળાના ગેટમાંથી અંદર આવતો જોવા મળે છે. તેની સાથે અન્ય ત્રણ-ચાર વિદ્યાર્થીઓ પણ છે. શાળાની બહાર થયેલી લડાઈ દરમિયાન, તેને પેટના ભાગે બોક્સ કટર વાગ્યું હતું.
તે ઈજાગ્રસ્ત અવસ્થામાં લોહી નીકળી રહ્યું હોય તે જગ્યાએ હાથ દબાવીને શાળામાં પ્રવેશ કરે છે. થોડી જ વારમાં તે ત્યાં ઢળી પડે છે. આ દરમિયાન, શાળામાં વિદ્યાર્થીઓની અવરજવર ચાલુ છે અને સિક્યોરિટી ગાર્ડ પણ હાજર છે.
સ્ટાફ અને સિક્યોરિટી ગાર્ડની બેદરકારી
નયન ઢળી પડ્યા બાદ, ત્યાં વિદ્યાર્થીઓ અને વાલીઓની ભીડ ભેગી થઈ જાય છે. સિક્યોરિટી ગાર્ડ ત્યાં આવે છે, પરંતુ તે નયનને મદદ કરવાને બદલે માત્ર ભીડને દૂર કરવાનો પ્રયાસ કરે છે.
વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શાળાનો સ્ટાફ હાજર હોવા છતાં કોઈ નયનની મદદ માટે આગળ આવતું નથી. આટલું મોટું ટોળું ભેગું થઈ ગયા પછી પણ, શાળા કે સિક્યોરિટી દ્વારા કોઈ મદદ કરવામાં આવતી નથી.
એક વિદ્યાર્થીએ મદદ કરી
છેવટે, બે મહિલાઓ (જે કદાચ નયનના પરિવારજનો છે) તેની પાસે દોડીને આવે છે. આ દરમિયાન, એક વિદ્યાર્થી રિક્ષા લઈને આવે છે. તે નયનને ઊંચકીને રિક્ષામાં બેસાડે છે અને હોસ્પિટલ મોકલે છે.
આ CCTV ફૂટેજથી સ્પષ્ટ થાય છે કે જો સમયસર મદદ મળી હોત તો કદાચ નયનનો જીવ બચી શક્યો હોત.