ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ સ્ટાર ઓપનર શિખર ધવન જીવનની નવી ઇનિંગ શરૂ કરવા માટે તૈયાર છે. ‘ગબ્બર’ તરીકે ઓળખાતા ધવન પોતાની ગર્લફ્રેન્ડ અને આયર્લેન્ડની સુંદર મોડલ સોફી શાઇન સાથે લગ્નગ્રંથિએ જોડાવા જઈ રહ્યા છે. લાંબા સમયથી એકબીજાને ડેટ કરી રહેલું આ કપલ હવે પોતાના સંબંધને સત્તાવાર રૂપ આપવા તૈયાર છે.
પ્રાપ્ત માહિતી મુજબ, શિખર ધવન અને સોફી શાઇનના લગ્ન ફેબ્રુઆરીના ત્રીજા સપ્તાહમાં દિલ્હી-NCR વિસ્તારમાં યોજાવાની સંભાવના છે. આ લગ્નોત્સવ ભવ્ય અને ખાનગી રાખવામાં આવશે, જેમાં ક્રિકેટ જગતના દિગ્ગજ ખેલાડીઓ, પૂર્વ સહખેલાડીઓ અને બોલિવૂડની કેટલીક જાણીતી હસ્તીઓ હાજર રહેશે. સૂત્રો અનુસાર, ધવન પોતે લગ્નની તૈયારીઓમાં સક્રિય રીતે જોડાયેલા છે.
શિખર ધવન અને સોફી શાઇનની ઓળખાણ થોડા વર્ષો પહેલા દુબઈમાં થઈ હતી. શરૂઆતમાં બંને વચ્ચે મિત્રતા હતી, જે બાદમાં પ્રેમમાં બદલાઈ ગઈ. ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025 અને IPL 2024 દરમિયાન સોફી શાઇન સ્ટેડિયમમાં ધવનને સપોર્ટ કરતી જોવા મળ્યા બાદ તેમના સંબંધોને લઈને ચર્ચા વધુ તેજ બની હતી.
સોફી શાઇન પ્રોફેશનલ રીતે આયર્લેન્ડની જાણીતી પ્રોડક્ટ કન્સલ્ટન્ટ છે. તેમણે માર્કેટિંગ અને મેનેજમેન્ટમાં અભ્યાસ કર્યો છે અને હાલમાં અબુ ધાબીમાં સ્થિત નોર્ધન ટ્રસ્ટ કોર્પોરેશનમાં સેકન્ડ વાઇસ પ્રેસિડેન્ટ તરીકે કાર્યરત છે.
ઉલ્લેખનીય છે કે આ શિખર ધવનના જીવનના બીજા લગ્ન હશે. તેમણે 2012માં આયશા મુખર્જી સાથે લગ્ન કર્યા હતા, પરંતુ 2023માં બંનેના સત્તાવાર રીતે છૂટાછેડા થયા હતા. હવે સોફી શાઇન સાથે ધવન જીવનમાં નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે. ક્રિકેટ મેદાન પર શાનદાર ઇનિંગ્સ રમનાર ‘ગબ્બર’ હવે અંગત જીવનમાં પણ ખુશીની નવી ઇનિંગ રમવા તૈયાર છે.


Leave a Comment