સોનાં અને ચાંદીના ભાવમાં તેજી અટકવાનું નામ લેતી નથી. મંગળવારે બજાર ખુલતાની સાથે જ મલ્ટી કોમોડિટી એક્સચેન્જ (MCX) પર બંને કિંમતી ધાતુઓ નવા લાઇફટાઇમ હાઇ લેવલ પર પહોંચી ગઈ છે. ખાસ કરીને ચાંદીના ભાવમાં એક ઝાટકે ₹25,000થી વધુનો ઉછાળો જોવા મળ્યો છે.
સોમવારે ભારતીય કોમોડિટી બજાર બંધ હતું, પરંતુ આંતરરાષ્ટ્રીય બજારમાં સોનાંના ભાવ $5,000 પ્રતિ ઔંસને પાર કરી જતા ભારે ચર્ચા સર્જાઈ હતી. મંગળવારે MCX પર ફ્યુચર્સ ટ્રેડિંગ શરૂ થતાં જ આ વૈશ્વિક તેજીની સીધી અસર સ્થાનિક બજારમાં જોવા મળી.
MCX પર 5 માર્ચની એક્સપાયરીવાળી ચાંદી મંગળવારે ટ્રેડિંગ શરૂ થતાં જ ₹3,59,800 પ્રતિ કિલોના નવા સર્વકાલીન હાઇ લેવલ પર પહોંચી ગઈ. ગયા શુક્રવારે ચાંદી ₹3,34,699 પ્રતિ કિલોએ બંધ થઈ હતી, એટલે કે એક જ સેશનમાં ₹25,101નો જબરદસ્ત ઉછાળો નોંધાયો છે.
સોનાંના ભાવમાં પણ ભારે તેજી જોવા મળી છે. MCX પર 5 ફેબ્રુઆરીની એક્સપાયરીવાળું સોનું ગયા શુક્રવારે ₹1,56,037 પ્રતિ 10 ગ્રામ પર બંધ થયું હતું, જે મંગળવારે તેજી સાથે ખુલતાની સાથે જ ₹1,59,820 પ્રતિ 10 ગ્રામના નવા હાઇ લેવલ પર પહોંચી ગયું. આ રીતે સોનાંમાં એક જ ઝટકામાં ₹3,783નો વધારો નોંધાયો છે. 1 જાન્યુઆરીથી અત્યાર સુધી સોનાંના ફ્યુચર્સ ભાવમાં કુલ ₹24,016 પ્રતિ 10 ગ્રામનો ઉછાળો આવી ચૂક્યો છે.
સોનાં-ચાંદીના ભાવમાં સતત વધારાના કારણોમાં અમેરિકન ડોલરની નબળાઈ, વ્યાજદરમાં ઘટાડાની અપેક્ષાઓ અને વિશ્વભરના સેન્ટ્રલ બેન્કોની સતત સોનાની ખરીદી મુખ્ય કારણ તરીકે સામે આવી રહ્યા છે. વૈશ્વિક આર્થિક અને ભૌગોલિક રાજકીય તણાવને કારણે રોકાણકારો સુરક્ષિત રોકાણ વિકલ્પ તરીકે સોનાં અને ચાંદી તરફ વધુ વળી રહ્યા છે.
આ વચ્ચે ટ્રમ્પની ટેરિફ ધમકીઓ અને અમેરિકા-ઇરાન વચ્ચે વધતા તણાવને કારણે મધ્ય પૂર્વમાં ફરી અનિશ્ચિતતા વધી છે. અહેવાલો મુજબ અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર અને યુદ્ધજહાજો મધ્ય પૂર્વ વિસ્તારમાં પહોંચ્યા છે, જેના કારણે સેફ હેવન ડિમાન્ડમાં વધારો થયો છે અને સોનાં-ચાંદીના ભાવને વધુ સપોર્ટ મળી રહ્યો છે.


Leave a Comment