Ranipના Balolnagarમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો, પોલીસે 6 લોકોની અટકાયત કરી

by

Thenewsdk

Updated: 10-03-2026, 07.42 PM

Follow us:

રાણીપના બલોલનગર વિસ્તારમાં આવેલી વિશ્વકર્મા સોસાયટીમાં દંતાણી સમાજના બે પરિવાર વચ્ચે આ ઘટના બની હતી. રાત્રિના સમયે એક પરિવારના ઘરે બહારથી કેટલાક લોકો આવ્યા હતા.

આ બાબતે સોસાયટીમાં રહેતા બીજા પરિવારના સભ્યોએ વિરોધ વ્યક્ત કર્યો હતો. શરૂઆતમાં બંને પક્ષ વચ્ચે સામાન્ય રીતે બોલાચાલી થઈ હતી, પરંતુ થોડા સમય બાદ આ વિવાદ વધુ ગંભીર બની ગયો હતો.

બંને પક્ષના સભ્યો વચ્ચે હાથાપાઈ શરૂ થઈ

બોલાચાલી વધતાં બંને પક્ષના સભ્યો વચ્ચે હાથાપાઈ શરૂ થઈ હતી. પરિસ્થિતિ વધુ બગડતાં બંને પરિવારના લોકો સોસાયટીના ગેટ પાસે એકત્ર થયા અને એકબીજા પર પથ્થરો ફેંકવા લાગ્યા. પથ્થરમારાની આ ઘટનામાં કેટલાક પાર્ક કરાયેલા વાહનોના કાચ પણ તૂટી ગયા હતા.

ખાસ વાત એ છે કે આ વિવાદ દરમિયાન બંને પરિવારની મહિલાઓ પણ બહાર આવી ગઈ હતી અને તેઓએ પણ એકબીજા તરફ પથ્થર ફેંક્યા હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું.

આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો

સોસાયટીમાં અચાનક શરૂ થયેલા આ હંગામાથી આસપાસના રહેવાસીઓમાં ભયનો માહોલ સર્જાયો હતો. ઘટનાની જાણ થતાં જ રાણીપ પોલીસ સ્ટેશનમાંથી ચારથી પાંચ પોલીસ વાહનોનો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચ્યો હતો. પોલીસના પહોંચતા જ પથ્થરમારો બંધ થયો હતો અને પરિસ્થિતિને નિયંત્રણમાં લેવામાં આવી હતી.

છ લોકોની અટકાયત કરવામાં આવી

પોલીસે સ્થળ પર હાજર બંને પક્ષના કેટલાક લોકોને કાબૂમાં લઈ પૂછપરછ શરૂ કરી હતી. બાદમાં છ લોકોની અટકાયત કરીને તેમને રાણીપ પોલીસ સ્ટેશન લઈ જવામાં આવ્યા હતા. પોલીસે બંને પક્ષને સમજાવીને મામલો શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

આ મામલે રાણીપ પોલીસ સ્ટેશનના પીઆઇ કેતન વ્યાસે જણાવ્યું હતું કે, ઘટનાની જાણ થતાં જ પોલીસ ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી હતી. એક જ સમાજના બે જૂથ વચ્ચે થયેલા વિવાદને કારણે પથ્થરમારો થયો હતો. જોકે સદનસીબે આ ઘટનામાં કોઈને ગંભીર ઇજા પહોંચી નથી. હાલમાં પોલીસ દ્વારા છ લોકોની અટકાયત કરવામાં આવી છે અને તેમની પૂછપરછ ચાલી રહી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.