દેશભરમાં વધતી જતી રખડતા કૂતરાની સમસ્યાને લઈને સુપ્રીમ કોર્ટએ સરકાર, સ્થાનિક તંત્ર અને પોતાને ‘ડોગ લવર્સ’ ગણાવતા સંગઠનો સામે આજે કડક વલણ અપનાવ્યું છે. સુનાવણી દરમિયાન અદાલતે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, રખડતા કૂતરાઓમાં એક ખાસ પ્રકારનો વાયરસ હોય છે, જેના માટે હાલમાં કોઈ ચોક્કસ સારવાર ઉપલબ્ધ નથી.
જસ્ટિસ વિક્રમ નાથ, જસ્ટિસ સંદીપ મેહતા અને જસ્ટિસ એન.વી. અંજારિયાની બેન્ચે સવાલ ઉઠાવ્યો કે, જો રખડતો કૂતરો 9 વર્ષના બાળક પર હુમલો કરે અને બાળકનું મોત થાય, તો તેની જવાબદારી કોણ લેશે? અદાલતે કહ્યું કે, સરકાર આ મુદ્દે ગંભીરતાથી પગલાં લેતી નથી, જે અત્યંત ચિંતાજનક છે.
કોર્ટે સ્પષ્ટ ચેતવણી આપતા જણાવ્યું કે, જો ડોગ બાઈટના કેસોમાં વધારો થશે અથવા આવા હુમલાથી કોઈનું મૃત્યુ થશે, તો રાજ્ય સરકારોને પીડિતોને ભારે વળતર ચૂકવવાનો આદેશ આપવામાં આવશે.
‘ખોરાક આપવો હોય તો ઘરે લઈ જાઓ’
સુપ્રીમ કોર્ટએ ડોગ લવર્સને સીધો સંદેશ આપતા કહ્યું કે, જો કોઈને કૂતરાઓને ખોરાક આપવો હોય, તો તેમને પોતાના ઘરે લઈ જવા જોઈએ. જાહેર રસ્તા, હોસ્પિટલો, શૈક્ષણિક સંસ્થાઓ, બસ ડેપો અને રેલવે સ્ટેશન જેવા સ્થળો કૂતરાઓ માટે નથી.
કોર્ટે રણથંભૌર નેશનલ પાર્કનું ઉદાહરણ આપતાં કહ્યું કે, રખડતા કૂતરાઓના કારણે વાઘો ગંભીર બીમારીઓથી પીડાયા હતા, જે વન્યજીવ સંરક્ષણ માટે પણ મોટું જોખમ છે.
જાહેર સલામતીને સર્વોચ્ચ પ્રાધાન્ય
સીનિયર એડવોકેટ અરવિંદ દાતારે દલીલ કરતા કહ્યું કે, સુપ્રીમ કોર્ટના અગાઉના આદેશ મુજબ જાહેર સ્થળો પર એક પણ રખડતો કૂતરો સ્વીકાર્ય નથી. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, આ બહુમતીનો મુદ્દો નથી. ભલે 99 લોકો મંજૂરી આપે, પરંતુ એક વ્યક્તિને પણ જોખમ હોય તો તેને વાંધો ઉઠાવવાનો અધિકાર છે.
જસ્ટિસ મેહતાએ ચિંતા વ્યક્ત કરતાં જણાવ્યું કે, હવે અદાલત પરિસરમાં પણ કૂતરાના હુમલાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. જ્યારે મ્યુનિસિપલ અધિકારીઓ કૂતરાઓને પકડવા જાય છે, ત્યારે કેટલાક લોકો અને વકીલો તેમનો વિરોધ કરે છે, જે દુર્ભાગ્યપૂર્ણ છે.
સુપ્રીમ કોર્ટની આ કડક ટિપ્પણીઓ બાદ હવે સરકાર અને સ્થાનિક તંત્ર રખડતા કૂતરાની સમસ્યા પર શું અસરકારક પગલાં લે છે, તે જોવું મહત્વપૂર્ણ રહેશે.


Leave a Comment