Surat News: કામરેજ નજીક મહિલા RFO સોનલ સોલંકીનું 48 દિવસની સારવાર બાદ મોત, પતિએ જ કરાવ્યું હતું ફાયરિંગ

by

Thenewsdk

Updated: 23-12-2025, 06.40 AM

Follow us:

સુરત જિલ્લાના કામરેજ નજીક જીવલેણ હુમલાનો ભોગ બનેલાં મહિલા રેન્જ ફોરેસ્ટ ઓફિસર (RFO) સોનલ સોલંકીનું અંતે નિધન થયું છે. છેલ્લા 48 દિવસથી અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળ રહેલાં સોનલબેને સારવાર દરમિયાન અંતિમ શ્વાસ લીધા છે.

ગત 6 નવેમ્બર 2025ના રોજ કામરેજ વિસ્તારમાં રસ્તા વચ્ચે સોનલ સોલંકી પર ફાયરિંગ કરવામાં આવ્યું હતું. શરૂઆતમાં અજાણ્યા હુમલાનો મામલો લાગતો હતો, પરંતુ પોલીસ તપાસમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો કે આ હુમલો સોનલ સોલંકીના RTO ઇન્સ્પેક્ટર પતિ નિકુંજ ગોસ્વામીએ જ સોપારી આપીને કરાવ્યો હતો. પારિવારિક વિખવાદના કારણે પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારવાનું કાવતરું રચ્યું હોવાનું સામે આવ્યું હતું.

ફાયરિંગ દરમિયાન સોનલ સોલંકીના માથામાં ગોળી વાગી હતી. તાત્કાલિક સુરતની ખાનગી હોસ્પિટલમાં સર્જરી કરીને ગોળી કાઢી લેવામાં આવી હતી, પરંતુ ગોળીથી મગજને થયેલું ગંભીર નુકસાન જીવલેણ સાબિત થયું. ત્યારબાદ તેમને વધુ સારવાર માટે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેઓ વેન્ટિલેટર સપોર્ટ પર હતા.

અડાજણ વન વિભાગની ઓફિસમાં ફરજ બજાવતાં RFO સોનલ સોલંકી 6 નવેમ્બરની વહેલી સવારે કામરેજ નજીક ઈજાગ્રસ્ત હાલતમાં મળ્યાં હતાં. તેમની કાર ઝાડ સાથે અથડાયેલી હાલતમાં મળી આવી હતી અને કારમાં તેમનો પુત્ર પણ હાજર હતો. ઘટનાની ગંભીરતા જોતા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.

સોનલ સોલંકીના નિધન બાદ હવે કેસમાં મોટો વળાંક આવ્યો છે. અત્યાર સુધી ‘હત્યાના પ્રયાસ’ હેઠળ ચાલી રહેલી તપાસને હવે ‘હત્યા’માં ફેરવવામાં આવશે. પોલીસે આરોપી પતિ નિકુંજ ગોસ્વામી તથા ફાયરિંગ કરનાર અન્ય આરોપીઓ સામે ભારતીય ન્યાય સંહિતાની કડક કલમો હેઠળ કાર્યવાહી કરવાની તૈયારી કરી છે.

આ ઘટનાએ રાજ્યભરમાં ભારે ચકચાર જગાવી છે અને મહિલા અધિકારીઓની સુરક્ષા અંગે ગંભીર પ્રશ્નો ઉભા કર્યા છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.