સુરતની વિવાદિત સોશિયલ મીડિયા સ્ટાર કીર્તિ પટેલ સામે વધુ એક ગંભીર ગુનો દાખલ થયો છે. હાલમાં પાસા હેઠળ જેલમાં બંધ કીર્તિ પટેલ પર આ નવી કાર્યવાહી સાથે કુલ 10 કેસ નોંધાયા છે. તાજેતરમાં લસકાણા પોલીસ સ્ટેશનમાં રેતી–કપચી વેપારી અલ્પેશ ડોંડાએ તેમના વિરુદ્ધ ધમકી અને બદનામ કરવાની ફરિયાદ નોંધાવી છે.
ફરિયાદ મુજબ, ઘટના ગત નવેમ્બર મહિનાની છે જ્યારે અલ્પેશ ડોંડા એક ઇન્સ્ટાગ્રામ લાઇવ સેશનમાં હાજર હતા. લાઇવમાં બે વ્યક્તિઓ કીર્તિ પટેલ અંગે અયોગ્ય વાતો કરી રહ્યા હતા, પરંતુ ડોંડાએ કંઈ બોલ્યું નહોતું. આ ઘટના અંગે જાણ થતાં, કીર્તિ પટેલે તેમની ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી ડોંડાને કોલ કરીને અભદ્ર ભાષામાં ધમકીઓ આપી હતી.
આથી પણ આગળ વધી, કીર્તિ પટેલે વેપારીની પત્ની વિશે પણ અપમાનજનક શબ્દો વાપર્યા હતાં અને બાદમાં સોશિયલ મીડિયામાં બંનેને નિશાન બનાવતી અભદ્ર પોસ્ટ્સ અને મેસેજિસ વાયરલ કર્યા હતા, જેથી તેમને બદનામ કરી શકાય.
લસકાણા પોલીસે ધમકી આપવી, બદનામ કરવી અને અસભ્ય ભાષામાં પોસ્ટ્સ વાયરલ કરવાનો ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરી છે. અગાઉ પણ કીર્તિ પટેલ પર મારામારી, ખંડણી, અને સોશિયલ મીડિયા દ્વારા લોકો પર દબાણ બનાવવા જેવા કેસો નોંધાયા છે.
કીર્તિ પટેલનું મોડસ ઓપરેન્ડી મુખ્યત્વે સોશિયલ મીડિયા આધારિત રહ્યું છે લોકોને લાઇવ સેશન, મેસેજ અને પોસ્ટ્સ મારફતે ધમકાવીને, પછી સમાધાનના નામે પૈસા પડાવવાનો આરોપ છે. તેનું નેટવર્ક સુરત પૂરતું મર્યાદિત નહોતું, પરંતુ ગુજરાતના અનેક જિલ્લાઓમાં સક્રિય હતું.


Leave a Comment