Surat News : પાંડેસરામાં દર્દીના સગાએ તબીબને 12 લાફા ઝીંકી દીધા, જાણો શું છે મામલો

સુરતના પાંડેસરામાં સ્થિત કેએસબી ઓલિમ્પિયા ડ્રીમ ચિલ્ડ્રન હોસ્પિટલમાં બાળકને સારવાર માટે લવાયો હતો. ડોક્ટરે બાળકની તપાસ કરી અને પરિવારને જાણ કરી કે બાળકની સારવાર માટે તેને દાખલ કરવું પડશે,
પરંતુ તેમની હોસ્પિટલમાં આઈસીયુની સુવિધા ઉપલબ્ધ નથી જેના પગલે બાળકને આઈસીયુની સુવિધા ધરાવતી અન્ય હોસ્પિટલમાં રિફર કરવા જણાવ્યું હતું. ડોક્ટરની આ વાત સાંભળીને પરિવાર ગુસ્સે ભરાયો હતો.
સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ
હોસ્પિટલના પ્રશાસન દ્વારા જણાવ્યા મુજબ શરૂઆતમાં પરિવારે ડોક્ટરની વાત સ્વીકારી હતી. ત્યારબાદ દર્દીના સગાએ બાળકને એડમિટ કરવાની કેમ ના પાડી કહી એક બાદ એક નિર્દયતાપૂર્વક 12 લાફા ઝીંકી દીધા હતા.
એ દરમિયાન હોસ્પિટલનો અન્ય સ્ટાફ આવી જતાં ડોક્ટરને માર મારવાથી બચાવ્યા, સાથે ઉગ્ર બનેલી વ્યક્તિએ સ્ટાફ સાથે પણ ગાળાગાળી શરૂ કરી દીધી હતી, જે સમગ્ર ઘટના CCTVમાં કેદ થઈ હતી.
પોલીસે આ મામલે ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી
આ ઘટના બાદ ડોક્ટર દ્વારા તાત્કાલિક પાંડેસરા પોલીસ સ્ટેશનમાં જાણ કરવામાં આવી. પોલીસે આ મામલે ફરિયાદ દાખલ કરવાની તજવીજ હાથ ધરી છે.
આ ઘટનાએ હોસ્પિટલની સુરક્ષા અને આરોગ્યકર્મચારીઓ પર વધતા હુમલાઓ અંગે ગંભીર પ્રશ્નો ઊભા કર્યા છે. આ મામલે પોલીસની કડક કાર્યવાહીની માગણી કરવામાં આવી રહી છે.