સુરત સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (SOG)એ નકલી ભારતીય ચલણી નોટોના કાળા કારોબારનો પર્દાફાશ કરતા એક મોટી સફળતા મેળવી છે. પોલીસે હીરા મજૂરીની આડમાં નકલી નોટો વટાવતો એક રત્નકલાકાર ₹5.03 લાખની બનાવટી નોટો સાથે રંગેહાથ ઝડપી પાડ્યો છે.
પકડાયેલ આરોપી પરેશ પુનાભાઈ હડીયા (ઉંમર 27 વર્ષ) મૂળ અમરેલી જિલ્લાના સાવરકુંડલાનો વતની છે અને છેલ્લા 10 વર્ષથી સુરતમાં સ્થાયી થયો હતો. તે છેલ્લા છ વર્ષથી વરાછાની એક જાણીતી હીરાની કંપનીમાં નોકરી કરતો હતો, જેથી કોઈને તેના પર શંકા ન જાય. વધુ પૈસા કમાવવાની લાલચે તેણે છેલ્લા એક વર્ષથી નકલી નોટોના ગેરકાયદેસર કારોબારમાં પગ મૂક્યો હતો.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે આરોપી અત્યંત શાતિર રીતે નકલી નોટો ચલાવતો હતો. તે ખાસ કરીને શાકભાજીની લારીઓ, પાનના ગલ્લાઓ અને નાની છૂટક દુકાનોને નિશાન બનાવતો હતો. ભીડભાડ અને ઉતાવળના સમયે વેપારીઓ નોટ ચકાસી ન શકે તેનો તે ફાયદો ઉઠાવતો હતો.
SOGએ બાતમીના આધારે છટકું ગોઠવી આરોપીને ઝડપી પાડ્યો હતો. તેની પાસેથી કુલ ₹5,55,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે, જેમાં ₹5,03,500ની નકલી નોટો, એક મોબાઈલ ફોન અને ગુનામાં વપરાયેલ હોન્ડા સાઈન બાઈકનો સમાવેશ થાય છે.
હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે આરોપી આ નકલી નોટો ક્યાંથી લાવતો હતો અને શું તે કોઈ મોટા રેકેટનો ભાગ છે. નોટોની ગુણવત્તા એટલી સારી હોવાનું પણ સામે આવ્યું છે કે સામાન્ય માણસ તેને સહેલાઈથી ઓળખી ન શકે. SOG દ્વારા આરોપીના મોબાઈલ રેકોર્ડ્સ અને સંપર્કોની ઊંડી તપાસ શરૂ કરવામાં આવી છે.
આ કેસ બાદ પોલીસે નાના વેપારીઓને ખાસ સાવચેત રહેવા અપીલ કરી છે. ખાસ કરીને ₹500ની નોટ સ્વીકારતી વખતે સુરક્ષા ફીચર્સ, વોટરમાર્ક અને થ્રેડ તપાસવાની સલાહ આપવામાં આવી છે. SOG હવે આરોપીના રિમાન્ડ મેળવી આ નકલી નોટોના નેટવર્કના મૂળ સુધી પહોંચવા પ્રયાસ કરશે.


Leave a Comment