સુરેન્દ્રનગરના લક્ષ્મીપરા વિસ્તારમાં ગટરના ગંદા પાણી ઉભરાઇને રોડ અને ઘરમાં આવતા હોવાથી રહીશોના આરોગ્ય જોખમાઇ રહયા છે. સાથે મુળચંદ રોડ ઉપર માનવ મંદિર પાછળ રસ્તામાં પાણી ભરાયેલા રહેતા વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડતો હોવાથી પાલિકા સામે રોષ વ્યકત કરાઇ રહયો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર સુરેન્દ્રનગર શહેરમાં ઠેર ઠેર વરસાદી અને ગટરના પાણીના નિકાલના અભાવે ગટરના ગંદા પાણીનો નિકાલ ન થવાના કારણે શહેરીજનોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. શહેરના લક્ષ્મીપરા વિસ્તારની શેરી નંબર 3-4માં ગટરના ગંદાપાણી રસ્તામાં ફરી વળ્યા છે. પાણીનો નિકાલ થતો નથી. અમુક રહીશોના ઘરમાં પણ ગંદા પાણી પહોંચી ગયા છે. વળી આંગણવાડી બાજુ પણ ગટરના ગંદા પાણી ભરાઇ ગયા હોવાથી આંગણવાડીના બાળકોને ગંદા પાણીમાંથી પસાર થવુ પડતુ હોવાથી રહીશો સાથે બાળકોના આરોગ્ય ઉપર પણ ખતરો મંડારાઇ રહયો છે. બીજી તરફ મુળચંદ રોડ ઉપર માનવ મંદિર પાછળ રસ્તામાં વરસાદી પાણીના નિકાલના અભાવે મોટીસંખ્યામાં અહીથી પસાર થતા રાહદારીઆ, વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. શહેરમાં ઠેર ઠેર ગંદકી, ગટરના ગંદા પાણીનો નિકાલ અટકી જવો, ગટર બ્લોક થઇ જવી વરસાદી પાણી સોસાયટીઓમાં ભરાઇ રહેવા જેવી ગંભીર સમસ્યા સર્જાઇ રહી હોવા છતાંય નગરપાલિકાના સત્તાધીશો યોગ્ય કાર્યવાહી ન કરતા હોવાથી શહેરીજનોએ પાલિકા તંત્ર સામે ભારે રોષ વ્યકત કર્યો હતો. આમ કરોડો રૂપિયાની ગ્રાન્ટ વાપરવા છતાંય સમસ્યા ઠેરની ઠેર જ રહેતી હોવાથી મોટાપાયે ભ્રષ્ટાચારની આશંકા સેવાઇ રહી છે.
Source link