Surendranagar News: સુરેન્દ્રનગરમાં પોલીસ હેડ કોન્સ્ટેબલનો આપઘાત, પોલીસે તપાસ હાથ ધરી

સુરેન્દ્રનગરના ચુડા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલે ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા હતા. જ્યાં ટૂંકી સારવાર બાદ તેમનું મોત નિપજ્યું છે. આ ઘટનાની જાણ થતાં DYSP વિશાલ રબારી સહિતના પોલીસ અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. હેડ કોન્સ્ટેબલ રાજેશ મીઠાપરાએ આત્મહત્યા કરવાનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યું નથી.
ચાદ દિવસની સારવાર બાદ મોત નીપજ્યું
પ્રાપ્ત માહિતી પ્રમાણે ચુડા પોલીસ મથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજેશ મીઠાપરાએ ગોરખવડા ગામમાં વાડી વિસ્તારમાં ગત 22મી ઓગસ્ટના રોજ ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો હતો. હેડ કોન્સ્ટેબલને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગરની મેડિકલ કોલેજમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. જો કે, તેમની તબિયત ગંભીર હોવાથી આઈસીયુ વિભાગમાં દાખલ કરાયા હતા. જ્યાં ચાર દિવસની ટૂંકી સારવાર બાદ તેમનું મોત નીપજ્યું છે.
હેડ કોન્સ્ટેબલના મોતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો
હેડ કોન્સ્ટેબલ રાજેશ મીઠાપરાના મોતથી તેમના પરિવાર પર આભ ફાટી પડ્યું છે, જ્યારે પોલીસ બેડામાં શોકનો માહોલ છવાયો છે. તેમની અંતિમયાત્રા ગોખરવાળા ખાતે યોજવામાં આવી હતી. જેમાં સમગ્ર ગામના લોકો જોડાયા હતા. પરિવારજનોના રૂદન અને આક્રંદથી વાતાવરણમાં ગમગીની છવાઈ ગઈ હતી.