સુરેન્દ્રનગર જિલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી હત્યા, લૂંટ અને જુથ અથડામણ જેવા ગંભીર ગુનાખોરીના બનાવોમાં વધારો જોવા મળી રહ્યો છે. પોલીસની સતત કાર્યવાહી છતાં હિંસક તત્વોની દાદાગીરી ઘટતી નથી. તાજેતરમાં ધ્રાગધ્રા તાલુકાના રાજગઢ ગામમાં મિત્ર વચ્ચેની નાની બોલાચાલીએ જાનલેણ વળાંક લીધો, જેમાં 26 વર્ષના મનસુખ વજુભાઈ મુલાડીયાની તેના જ મિત્ર ચંદ્રકાંત ઉર્ફે અશોક નગવાડીયાએ છરીના ઘા મારી હત્યા કરી.
- હનુમાનજી મંદિર પાસે શરૂ થયો ઝગડો
માહિતી અનુસાર, મનસુખ, ચંદ્રકાંત અને ભાવેશ સાંજે હનુમાનજી મંદિરના ઓટલે બેઠા હતા. ચર્ચા દરમિયાન ચંદ્રકાંત મનસુખને અપશબ્દો બોલવા લાગ્યો હતો. મનસુખે વિરોધ કરતાં શાબ્દિક ઝગડો થયો અને વાત હાથાપાઈ સુધી પહોંચી. આક્રોશિત ચંદ્રકાંતે પોતાના નાફામાંથી છરી કાઢી મનસુખ પર વારંવાર ઘા કર્યા, જેને કારણે તેનો ઘટનાસ્થળે જ મોત નિપજ્યું.
- બીજા મિત્ર પર પણ હુમલાનો પ્રયાસ
મધ્યસ્થતા કરવા પડેલો મિત્ર ભાવેશ પર પણ આરોપી છરી લઈને દોડી આવ્યો હતો. ભાવેશ કોઈ રીતે બચીને ગામમાં પહોંચી ગયો અને આખી ઘટના મનસુખના પરિવારને જણાવી. ગામમાં ઘટતા જ ચકચાર મચી ગઈ હતી અને તરતજ પોલિસ ફરિયાદ નોંધાઈ.
- ઝડપી કાર્યવાહી: આરોપી ઝડપાયો
ફરિયાદ બાદ ઇન્ચાર્જ PI એમ.વી. વિરજાના માર્ગદર્શન હેઠળ પોલીસ રાજગઢ ગામે પહોંચી. મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલાયો અને આરોપીની શોધખોળ માટે ટીમો બનાવાઈ. તણાવ ન વધે તે માટે ગામમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. થોડા કલાકોમાં જ ચંદ્રકાંત નગવાડીયા પોલીસના જાળમાં ચડ્યો અને પ્રાથમિક પૂછપરછમાં હત્યા સ્વીકારી.
પોલીસે ઘટનાસ્થળે લઈ જઈ ક્રાઈમ રી-કન્સ્ટ્રક્શન કર્યું છે તથા હત્યા માટે વપરાયેલી છરી કબજે લેવા તપાસ ચાલુ છે.
- પ્રજામાં રોષ, ગુનાખોરી વધતી ચિંતાનો વિષય
મિત્ર દ્વારા મિત્રની હત્યા જેવી નાની બાબતે થયેલી આ હિંસક ઘટના પ્રદેશમાં રોષનું મોજું ફેલાવી રહી છે. સ્થાનિકોનો આરોપ છે કે જિલ્લામાં વધતી હિંસક ગુનાખોરીને કારણે ગુનેગારોમાં પોલીસનો ભય ઘટી રહ્યો છે. હાલ આરોપી સામે હત્યાનો ગુનો દાખલ કરીને ધ્રાગધ્રા પોલીસે વધુ તપાસ શરૂ કરી છે.


Leave a Comment