T20 World Cup 2026 Tickets: ક્રિકેટ ચાહકો માટે મોટી ખુશખબર સામે આવી છે. T20 વર્લ્ડ કપ 2026ની મેચોની ટિકિટનું વેચાણ શરૂ થઈ ચૂક્યું છે. આ વચ્ચે કોલકાતાના ઐતિહાસિક ઈડન ગાર્ડન્સનું સંચાલન કરતી ક્રિકેટ એસોસિએશન ઓફ બંગાળ (CAB)એ અહીં યોજાનારી મેચોની ટિકિટ કિંમતો જાહેર કરી છે.
આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટની 10મી સીઝન 7 ફેબ્રુઆરી 2026થી શરૂ થવાની છે. ઈડન ગાર્ડન્સમાં ગ્રુપ સ્ટેજ, સુપર આઠ અને સેમિફાઇનલ જેવી મહત્વની મેચો યોજાનાર છે. ખાસ વાત એ છે કે કેટલીક ગ્રુપ સ્ટેજ મેચોની ટિકિટ માત્ર ₹100થી શરૂ થશે.
CAB મુજબ, બાંગ્લાદેશ vs ઈટાલી, ઈંગ્લેન્ડ vs ઈટાલી અને વેસ્ટ ઈન્ડિઝ vs ઈટાલી જેવી મેચોમાં અપર બ્લોકની ટિકિટ ₹100 રાખવામાં આવી છે, જ્યારે પ્રીમિયમ હોસ્પિટાલિટી ટિકિટ ₹4,000 સુધી મળશે. જોકે, ટીમ ઈન્ડિયા લીગ ફેઝમાં ઈડન ગાર્ડન્સમાં કોઈ મેચ રમવાની નથી, તેથી ભારતની મેચોની ટિકિટ અહીં ઉપલબ્ધ નહીં હોય.
વધુ લોકપ્રિય ગ્રુપ મેચો જેમ કે વેસ્ટ ઈન્ડિઝ vs બાંગ્લાદેશ અને ઈંગ્લેન્ડ vs બાંગ્લાદેશ માટે ટિકિટના ભાવ થોડા ઊંચા રાખવામાં આવ્યા છે. આ મેચોમાં અપર બ્લોકની ટિકિટ ₹300 અને પ્રીમિયમ હોસ્પિટાલિટી ટિકિટ ₹5,000 સુધી મળશે.
ઈડન ગાર્ડન્સમાં રમાનારી સુપર આઠ અને સેમિફાઇનલ મેચો માટે સૌથી ઊંચા ભાવ નક્કી કરવામાં આવ્યા છે. આ મેચોમાં અપર બ્લોકની ટિકિટ ₹900થી શરૂ થશે, જ્યારે પ્રીમિયમ હોસ્પિટાલિટી માટે ક્રિકેટ ચાહકોને ₹10,000 સુધી ચૂકવવા પડશે.


Leave a Comment