સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેમાં 500 રૂપિયાની નોટ પર મહાત્મા ગાંધીના ફોટોને બદલે અનુપમ ખેરનો ફોટો જોવા મળી રહ્યો છે. સાથે જ રિઝર્વ બેંકની જગ્યાએ
Resole બેંક ઓફ ઇન્ડિયા લખેલુ છે. આ મામલો અમદાવાદનો છે. પોલીસે 1 કરોડ રૂપિયાથી વધારે આવી ફેક કરન્સીને ઝડપી પાડી છે. કોઇએ વેપારીને સોનુ ખરીદવા બદલ અનુપમ ખેરના ફોટો વાળી નકલી નોટો આપી દીધી. ત્યારે આ મામલે અનુપમ ખેરની પ્રતિક્રિયા સામે આવી છે.
અનુપમ ખેરની પ્રતિક્રિયા આવી સામે
તેમણે સોશિયલ મીડિયામાં 500ની ફેક નોટોનો વીડિયો શેર કરીને લખ્યુ કે લો,બોલો, પાંચસોની નોટ પર ગાંધીજીના ફોટાને બદલે મારો ફોટો ? કંઇ પણ થઇ શકે છે. આમ કરીને અનુપમ ખેરે રમૂજ અંદાજમાં પોસ્ટ શેર કરી હતી. જેની પર 2500થી વધારે લોકો કમેન્ટ કરી ચૂક્યા છે જ્યારે 34 હજારથી વધારે લાઇક્સ મળી છે.
શું છે મામલો ?
અમદાવાદ શહેરમાં બુલિયનનો વેપારી ફિલ્મી ઢબે છેતરપિંડીનો શિકાર બન્યો છે જેને કારણે ફરિયાદી વેપારીને ખરીદીની સિઝન પહેલા જ 1.60 કરોડ રૂપિયાનુ નુકસાન સહન કરવાનો આવ્યો છે.. આ ઘટનામાં વેપારીથી માંડીને ચલણી નોટો, બેંકના સીલની રીંગ તેમજ આંગડિયા પેઢી પણ ડુપ્લીકેટ હતી.જેમાં ફરિયાદીને સોનાના વેચાણ બદલ RESERVE BANK OF INDIA નહી પણ RESOLE BANK OF INDIA લખેલી ચલણી નોટો મળી.
માણેકચોક વિસ્તારમાં બની ઘટના
શહેરના માણેકચોક વિસ્તારમાં બુલિયનનો વેપાર કરતા મેહુલભાઈ ઠક્કરે નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે.જેમાં ફરિયાદી મેહુલ અને લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલ વચ્ચે 2100 ગ્રામ સોનાની ડિલિવરી આપવા માટે ડિલ નક્કી થાય છે.જેના માટે બંન્ને વચ્ચે 1.60 કરોડમાં સમગ્ર સોદો નક્કી થાય છે.ડિલ થયાના થોડા જ કલાકોમાં પ્રશાંત પટેલે સોનાની ડિલિવરી બીજા જ દિવસે સી.જી રોડ પર આવેલી આંગડિયા પેઢી પર આપવા માટે કીધુ હતુ.ફરિયાદી મેહૂલ અને લક્ષ્મી જ્વેલર્સના મેનેજર પ્રશાંત પટેલ વચ્ચે આવા વ્યવ્હારો અનેકવાર થતા હોવાથી મેહૂલ પટેલે તેમના કર્મચારીઓને બીજા દિવસે સોનાની ડિલિવરી આપવા મોકલ્યા હતા.આંગડિયા પેઢીના સરનામે પહોચ્યા બાદ આરોપીઓએ ડિલિવરી આપવા આવેલા કર્મચારીઓને 1.30 કરોડની ડુપ્લીકેટ નોટો આપી અને અન્ય 30 લાખ બાજુની ઓફિસમાંથી લઈને આવીએ તેમ કહી ફરાર થઈ ગયા.
આરોપી નોટો ગણવાનું મશીન લઈને બેઠા
આટલુ જ નહી સોનાની ડિલિવરી આપવા આવેલા કર્મચારીઓને ઉલ્લુ બનાવવા માટે આરોપીઓએ આંગડિયા પેઢીની બહાર નોટો ગણવાના મશીન લઈને બેઠા હતા.અને ચિલ્ડ્રન બેન્ક ઓફ ઈન્ડિયાની ડુપ્લીકેટ નોટો એવી રીતે પેકિંગ કરી હતી.જેથી કર્મચારીઓ નોટો અસલી છે કે નકલી તે પારખી ન શકે.આ સિવાય આરોપીઓએ નોટો પર લગાવવામાં આવતી બેંકની રીંગ પણ ડુપ્લીકેટ બનાવી હતી.જેમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાના બદલે સ્ટાર્ટ ઓફ ઈન્ડિયા લખેલુ હતુ.આ સિવાય આરોપીઓએ જે આંગડિયા પેઢી પર સોનાની ડિલિવરી લીધી હતી તે દુકાન પણ 2 દિવસ પહેલા આરોપીઓએ ભાડે લીધી હતી.જેના માટે હજુ ભાડા કરાર પણ નહોતો થયો.આ દુકાન ફક્ત છેતરપિંડી કરવા માટે જ ભાડે લેવામાં આવી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યુ છે.
એક આરોપી વેશ પલટો કરીને આવ્યો
3 આરોપીઓમાંથી એક આરોપી સરદારજીનો વેશ બદલીને આવ્યો હતો.જેથી ઓળખ ન થઈ શકે હાલ તો પોલીસે સમગ્ર ધટનાને ઝીણવટ ભરી રીતે સમજીને તપાસ હાથધરી છે..આરોપીઓને ઝડપવા વિસ્તારના સીસીટીવી ફૂટેજ અને ફોન નંબરના આધારે તપાસ હાથ ધરવામાં આવી છે. આ સાથે જ નવરંગપુરા પોલીસે અલગ અલગ ટીમો બનાવી ભેજાબાજ આરોપીઓને ઝડપવા ચક્રો ગતિમાન કર્યા છે.