ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે રમાઈ રહેલી પાંચ મેચની T20 સિરીઝ હવે તેના નિર્ણાયક મુકામે પહોંચી છે. સિરીઝની પાંચમી અને અંતિમ મેચ આજે શનિવારે તિરુવનંતપુરમના ગ્રીનફિલ્ડ સ્ટેડિયમમાં રમાશે.
મેચ પૂર્વે ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવ અને ટીમ ઈન્ડિયાના ખેલાડીઓએ પ્રસિદ્ધ શ્રી પદ્મનાભસ્વામી મંદિરમાં દર્શન કરી આશીર્વાદ લીધા હતા. આગામી T20 વર્લ્ડ કપમાં સફળતા મળે તે માટે ખાસ પૂજા-અર્ચના કરવામાં આવી હતી. આધ્યાત્મિક ઉર્જા સાથે ટીમ ઈન્ડિયા આજે કિવી ટીમ સામે ઉતરવા તૈયાર છે.
સંજુ સેમસન માટે ‘હોમ ટેસ્ટ’
આ મેચમાં સૌથી વધુ નજર સંજુ સેમસન પર રહેશે. સિરીઝમાં અત્યાર સુધી સંજુ બેટથી પ્રભાવ છોડી શક્યો નથી. પોતાના હોમ ગ્રાઉન્ડ પર આ મેચ સંજુ માટે છેલ્લી તક સમાન છે. વર્લ્ડ કપ ટીમમાં સ્થાન મજબૂત કરવા માટે આજે તેને મોટી ઇનિંગ રમવી પડશે. કેરળના ચાહકો પણ સંજુ પાસેથી ધમાકેદાર પ્રદર્શનની અપેક્ષા રાખી રહ્યા છે.
ચોથી મેચની હાર બાદ સૂર્યા બ્રિગેડ સાવધ
ભારતીય ટીમ સિરીઝમાં 3-1થી આગળ છે, પરંતુ ચોથી મેચમાં મળેલી હાર બાદ ટીમ મેનેજમેન્ટ કોઈ જોખમ લેવા માગતું નથી. ભારત આ મેચ જીતીને સિરીઝને 4-1થી શાનદાર રીતે પૂર્ણ કરવા ઈચ્છે છે. ન્યૂઝીલેન્ડની ટીમ પણ છેલ્લી મેચ જીતી પ્રવાસને સકારાત્મક અંત આપવા માટે પૂરો જોર લગાવશે.
વર્લ્ડ કપ પહેલાં છેલ્લી તૈયારી
ટીમ ઈન્ડિયા માટે આ મેચ માત્ર એક દ્વિપક્ષીય મુકાબલો નથી, પરંતુ T20 વર્લ્ડ કપ પહેલાંની છેલ્લી સત્તાવાર મેચ છે. કોચ અને કેપ્ટન અંતિમ પ્લેઈંગ-11નું સંયોજન, બોલિંગ વિકલ્પો અને ફિનિશરની ભૂમિકા આજે ચકાસશે.
પિચ અને માહોલ
ગ્રીનફિલ્ડ સ્ટેડિયમની પિચ બેટિંગ માટે અનુકૂળ છે, પરંતુ શરૂઆતમાં ઝડપી બોલરોને મદદ મળી શકે છે. સ્ટેડિયમ હાઉસફુલ રહેવાની શક્યતા છે અને ચાહકોને ચોગ્ગા-છગ્ગાની રમઝટ જોવા મળશે તે નક્કી છે.
સંભવિત Playing XI
ભારત:
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), અભિષેક શર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), ઈશાન કિશન, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, રિંકુ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, જસપ્રીત બુમરાહ/અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી
ન્યૂઝીલેન્ડ:
મિચેલ સેન્ટનર (કેપ્ટન), ડેવોન કોનવે/ફિન એલન, ટિમ સેફર્ટ (વિકેટકીપર), રચિન રવીન્દ્ર, ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિચેલ, માર્ક ચેપમેન/જીમી નીશમ, કાઇલ જેમીસન, જેકબ ડફી, ઈશ સોઢી, મેટ હેનરી


Leave a Comment