ટીમ ઈન્ડિયાના સુપર સ્ટાર ખેલાડીને ICUમાં દાખલ કરાયો, પાંસળીઓમાં ગંભીર ઈજા થઈ હતી

ભારતીય ક્રિકેટ ટીમના સ્ટાર ખેલાડી શ્રેયસ ઐયરને ઓસ્ટ્રેલિયા સામે સિડનીમાં રમાયેલી ત્રીજી વન-ડે મેચ દરમિયાન પાંસળીમાં ગંભીર ઈજા પહોંચી હતી. આ ઈજાને કારણે આંતરિક રક્તસ્રાવ થતાં તેમને સિડનીની એક હોસ્પિટલના ઈન્ટેન્સિવ કેર યુનિટ (ICU)માંમાં દાખલ કરવામાં આવ્યો છે.
- ઐયર કેચ પકડતા ઈજાગ્રસ્ત થયો હતો
26મી ઓક્ટોબર ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે મેચ રમાઈ હતી. ત્યારે હર્ષિત રાણાના બોલ પર એલેક્સ કેરીનો કેચ પકડતી વખતે ઐયરે ડીપ સ્ક્વેર લેગ પર એક શાનદાર ડાઇવિંગ કેચ પકડ્યો હતો પરંતુ આ પ્રયાસમાં તેની ડાબી પાંસળીમાં ગંભીર ઈજા થઈ હતી.
જે બાદ તેને ડ્રેસિંગ રૂમમાં લઈ જવામાં આવ્યો હતો. BCCIની મેડિકલ ટીમે ડ્રેસિંગ રૂમમાં પ્રાથમિક તપાસ બાદ પરિસ્થિતિની ગંભીરતા જોતા તાત્કાલિક કાર્યવાહી કરી અને ઐયરને હોસ્પિટલમાં મોકલવામાં આવ્યો હતો.
- બે થી સાત દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે
હોસ્પિટલમાં રિપોર્ટ આવ્યા બાદ પાંસળીમાં ઈન્ટરનલ બ્લીડિંગ જોવા મળ્યું, જેના કારણે તેમને તાત્કાલિક ICUમાં દાખલ કરવો પડ્યો. સૂત્રોના જણાવ્યાનુસાર,, રક્તસ્રાવને કારણે ચેપ ફેલાતો અટકાવવા માટે ઐયરને તેમની રિકવરી પર આધાર રાખીને બે થી સાત દિવસ સુધી નિરીક્ષણ હેઠળ રાખવામાં આવશે. જોકે તેની સ્થિતિ હવે સ્થિર છે, તે એક મજબૂત ખેલાડી છે અને ટૂંક સમયમાં સ્વસ્થ થઈ જશે.
- ટીમ ઈન્ડિયા 2-1થી સિરીઝ હારી ગઈ હતી
ઉલ્લેખનીય છે કે ત્રીજી મેચમાં ટીમ ઈન્ડિયાનો શાનદાર વિજય થયો હતો. પરંતુ સિરીઝ 2-1થી હારી ગયા હતા. છેલ્લી મેચમાં રોહિત શર્માએ સદી ફટકારી હતી અને કોહલીએ અણનમ ફિફ્ટી ફટકારી હતી. બંને 150થી વધુ રનની પાર્ટનરશિપ કરી હતી.



