ભારત વિશ્વનું સૌથી મોટું મોબાઇલ એટેકનું લક્ષ્ય બન્યું છે. જૂન 2024 અને મે 2025 વચ્ચે મોબાઇલ સાયબર એટેકમાં તીવ્ર વધારો જોવા મળ્યો હતો. Zscaler એ અહેવાલ આપ્યો છે કે, તેને 239 ખતરનાક એપ્લિકેશનો ઓળખી કાઢી છે,
જે ફાઇલ મેનેજર, વર્ક ટૂલ્સ અથવા પર્ફોર્મન્સ બૂસ્ટરની આડમાં યુઝર્સના ફોનમાં ઘૂસણખોરી કરી રહી હતી. આ એપ્સને લાખો ડાઉનલોડ થયા હતા, ત્યારબાદ Google એ તેને Play Store પરથી દૂર કરી દીધી હતી.
- મોબાઇલ માલવેર એટેકમાં 67% નો વધારો થયો
રિપોર્ટમાં ગયા વર્ષની સરખામણીમાં એન્ડ્રોઇડ માલવેર ટ્રાન્ઝેક્શનમાં 67% નો ચોંકાવનારો વધારો જાહેર થયો છે. સ્પાયવેર અને બેંકિંગ ટ્રોજન સૌથી મોટી ચિંતાઓ છે. હેકર્સ હવે કાર્ડ ફ્રોડ કરતાં મોબાઇલ પેમેન્ટ ચોરી અને ડિવાઇસ ટ્રેકિંગ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છે.
વિશ્વભરમાં થતા તમામ મોબાઇલ એટેકમાં ભારતનો 26% હિસ્સો છે, જે ગયા વર્ષ કરતા 38% વધુ છે. ડિજિટલ પેમેન્ટની લોકપ્રિયતા અને UPI સિસ્ટમે ભારતને સાયબર ગુનેગારો માટે “હાઇ-વેલ્યુ-ટારગેટ”નું લક્ષ્ય બનાવ્યું છે.
- ઊર્જા અને પરિવહન સેક્ટરમાં સૌથી વધુ જોખમ
રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, હેકર્સ હવે ફક્ત સામાન્ય યુઝર્સને જ નહીં પરંતુ મહત્વપૂર્ણ ઉદ્યોગોને પણ નિશાન બનાવી રહ્યા છે. ઉર્જા ક્ષેત્રમાં સાયબર એટેકમાં 387% નો વધારો થયો છે. IoT માલવેરના 40% થી વધુ કેસ ઉત્પાદન અને પરિવહન સેક્ટરમાં છે.
- આ જોખમથી કેવી રીતે બચવું
ગૂગલે ઘણી ખતરનાક એપ્સ દૂર કરી હોવા છતાં, લાખો ઉપકરણો હજુ પણ જોખમમાં છે. સુરક્ષા નિષ્ણાતો અજાણી અથવા શંકાસ્પદ એપ્સને તાત્કાલિક ડિલીટ કરવાની ભલામણ કરે છે. ફક્ત Google Play Store માંથી જ એપ્સ ડાઉનલોડ કરો. તમારા ફોનને અપડેટ રાખો અને હંમેશા પ્લે પ્રોટેક્ટ ચાલુ રાખો. વિશ્વસનીય મોબાઇલ સિક્યોરિટી એપનો ઉપયોગ કરો.



Leave a Comment