Metaએ ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ યુઝર્સ માટે એક મહત્વપૂર્ણ નવું ફીચર રજૂ કર્યું છે, જેનું નામ કન્ટેન્ટ પ્રોટેક્શન ટૂલ રાખવામાં આવ્યું છે. આ નવું ટૂલ ખાસ કરીને કન્ટેન્ટ ક્રિએટર્સને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવ્યું છે, જેથી કોઈ અન્ય યુઝર તેમની મંજૂરી વગર તેમની રીલ્સ અથવા વીડિયો શેર કરે તો તે અંગે ક્રિએટર્સને તરત જ માહિતી મળી શકે.
ડિજિટલ યુગમાં વધી રહેલા કન્ટેન્ટ પાયરસી અને રી-અપલોડિંગ સામે લડવા માટે Meta દ્વારા આ સાધનને મહત્વપૂર્ણ પગલું ગણાવવામાં આવી રહ્યું છે. Metaની જાહેરાત મુજબ, જે યુઝર્સ મોનેટાઇઝેશન પ્રોગ્રામ સાથે જોડાયેલા છે અને કંપનીના ઈન્ટેગ્રિટી સહિતના કેટલાક નિયમોનું પાલન કરે છે, તે જ આ ટૂલનો ઉપયોગ કરી શકશે. એકાઉન્ટ યોગ્યતા પ્રાપ્ત થતાં જ ક્રિએટર્સ તેમના વીડિયોઝ અન્ય દ્વારા શેર થયેલા હોય તો તેનો સ્પષ્ટ રિપોર્ટ જોઈ શકશે અને તે આધારે જેના વિરુદ્ધ કાર્યવાહી કરવી તે નક્કી કરી શકશે.
- વીડિયો ટ્રેકિંગ, વ્યૂઝ મોનીટરીંગ અને એક્શનનો વિકલ્પ
આ ટૂલના માધ્યમથી ક્રિએટર્સને શેર કરાયેલા તેમના વીડિયો વિશે અનેક માહિતી ઉપલબ્ધ થશે. Metaએ સમજાવ્યું છે કે દરેક વીડિયો ક્લિપમાં એક આંતરિક ‘લેબલ’ જોડાયેલો રહેશે, જે સામાન્ય દર્શકોને દેખાશે નહીં, પરંતુ કન્ટેન્ટ પ્રોટેક્શન સિસ્ટમ દ્વારા ઓળખી શકાય છે. આ ટેક્નોલોજીથી ક્રિએટર્સ જોઈ શકશે કે તેમના વીડિયોને કેટલા વ્યૂઝ મળ્યાં છે,
કોણે તેને ફરી અપલોડ કર્યું છે અને ક્યાં સંબંધિત એકાઉન્ટમાં તે પ્રદર્શિત થઈ રહ્યો છે. જરૂર જણાય ત્યારે ક્રિએટર્સ કોઈ પણ ક્લિપને બ્લોક કરવાની મંજૂરી પણ મેળવશે. બ્લોક કર્યા પછી તે વીડિયો બીજી વ્યક્તિના એકાઉન્ટ પરથી હટાઈ જશે. ખાસ વાત એ છે કે વીડિયો રિમૂવ કરવામાં આવે ત્યારે પણ પોસ્ટ કરનારને કોઈ પેનલ્ટી કે સ્ટ્રાઇક લાગશે નહીં; આ પ્રક્રિયા માત્ર ક્રિએટરની માલિકીની સુરક્ષા માટે છે.
- ‘રિલીઝ’ વિકલ્પથી ક્લિપને સંપૂર્ણપણે અનબાઇન્ડ કરી શકાશે
કન્ટેન્ટ પ્રોટેક્શન ટૂલમાં ‘રિલીઝ’ નામનો એક વિશેષ વિકલ્પ પણ આપવામાં આવ્યો છે. જ્યારે ક્રિએટર આ રિલીઝ વિકલ્પ પસંદ કરશે, ત્યારે સંબંધિત ક્લિપ ક્રિએટરના ડેશબોર્ડમાંથી દૂર થઈ જશે અને તેઓ તેની પરફોર્મન્સ સંબંધિત માહિતિઓ જોઈ શકશે નહીં. Metaનું કહેવું છે કે આ રીતથી ક્રિએટર નક્કી કરી શકે કે કઈ ક્લિપને તેઓ કન્ટેન્ટ પ્રોટેક્શન હેઠળ રાખવા માગે છે અને કઈને મુક્ત રાખવી.
આ ઉપરાંત ડેશબોર્ડમાં એવા ડેટા પણ દેખાશે જેમાંથી જાણવા મળશે કે કોઈ અન્ય યુઝર તે વીડિયોથી આવક મેળવી રહ્યો છે કે નહીં. જો એવી પરિસ્થિતિ હશે તો ક્રિએટર બ્લોક અથવા રીમૂવ જેવી કાર્યવાહી કરી શકશે.



Leave a Comment