અમરેલી જિલ્લાના ખાંભા પંથકમાં માનવ અને વન્યજીવો વચ્ચેનો સંઘર્ષ હવે ગંભીર અને લોહિયાળ સ્વરૂપ ધારણ કરતો જઈ રહ્યો છે. ખાંભા તાલુકાના હનુમાનપુર ગામે સોમવારે મોડી સાંજે દીપડાએ ઘર આંગણે રમી રહેલા બે વર્ષના માસૂમ બાળક પર હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો હતો.
માથેથી પકડી દીપડો બાળકને ખેંચી ગયો
હનુમાનપુરની સીમમાં આવેલી રમણીક બોડાની વાડીમાં ખેત મજૂરી કરી ગુજરાન ચલાવતા પરેશભાઈ પરમારનો પરિવાર રહે છે. સાંજના સમયે પરેશભાઈનો બે વર્ષનો પુત્ર ઈશ્વર વાડીના ચોકમાં રમી રહ્યો હતો. આ દરમિયાન નજીકના બાજરીના ઊભા પાકમાં છુપાયેલો ભૂખ્યો દીપડો અચાનક ત્રાટક્યો અને માસૂમને માથાના ભાગેથી જડબામાં પકડી સીમ તરફ ખેંચવાનો પ્રયાસ કર્યો.
પરિવારની બહાદુરીએ બચ્યો માસૂમ
બાળકની મરણચીસ સાંભળતા જ પરિવારના સભ્યો દોડી આવ્યા હતા. પિતા પરેશભાઈ સહિત પરિવારજનોએ જીવના જોખમે લાકડીઓ લઈને દીપડાનો પીછો કર્યો અને જોરજોરથી બૂમાબૂમ કરી. લોકોના અવાજ અને પથ્થરમારાથી ગભરાયેલો દીપડો બાળકને લોહીલુહાણ હાલતમાં છોડીને અંધારાનો લાભ લઈ નાસી છૂટ્યો. પરિવારજનોએ સેકન્ડોની પણ વિલંબ કર્યો હોત તો મોટી દુર્ઘટના સર્જાઈ શકી હોત.
ગંભીર હાલતમાં હોસ્પિટલ ખસેડાયો
દીપડાના નખ અને દાંત વાગવાથી માસૂમ ઈશ્વરના માથા અને ગળાના ભાગે ઊંડા ઘા પડ્યા છે. લોહીલુહાણ હાલતમાં બાળકને તાત્કાલિક નજીકના સરકારી આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યો હતો. ત્યાંથી તબીબોએ સ્થિતિ નાજુક જણાતાં તેને વધુ સારવાર માટે જિલ્લા હોસ્પિટલમાં રીફર કર્યો છે. હાલ બાળકની સારવાર ચાલી રહી છે.
વન વિભાગ એક્શન મોડમાં
ઘટનાની જાણ થતા જ વન વિભાગનો કાફલો રાત્રે જ હનુમાનપુર દોડી ગયો હતો. દીપડાને પકડવા માટે સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે અને સીમ વિસ્તારમાં અલગ-અલગ જગ્યાએ મારણ સાથેના પાંજરા ગોઠવવામાં આવ્યા છે. વન અધિકારીઓએ ગ્રામજનોને રાત્રિના સમયે ખેતરમાં એકલા ન નીકળવા અને બાળકો પર ખાસ નજર રાખવા અપીલ કરી છે.
અમરેલીમાં વન્યજીવોનો વધતો ખતરો
અમરેલી અને ગીર પંથકમાં દીપડા અને સિંહોના વધતા હુમલાઓથી સ્થાનિકોમાં ભારે રોષ છે. ગતરોજ તાલાલાના રસુલપરામાં દીપડાએ એક શ્રમિકને ફાડી ખાધાની ઘટના બાદ હવે ખાંભામાં માસૂમ પર થયેલા હુમલાએ વન વિભાગની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે. સીમ વિસ્તારમાં રહેતા શ્રમિકો પોતાના બાળકોને બહાર મોકલતા પણ ડરી રહ્યા છે. વહેલી તકે આતંક મચાવતા દીપડાને પાંજરે પુરવાની લોક માંગ ઉઠી છે.


Leave a Comment