કેન્દ્રિય શ્રમ અને રોજગાર મંત્રી મનસુખ માંડવિયાએ રાજ્યસભામાં મહત્વપૂર્ણ માહિતી આપતાં જણાવ્યું કે, છેલ્લા એક વર્ષ દરમિયાન દેશભરમાં આયોજિત 18,000થી વધુ જોબ ફેર દ્વારા 2.22 કરોડ લોકોને રોજગારની તકો મળી છે. તેમના જણાવ્યા મુજબ, દેશમાં રોજગાર સર્જનની ગતિમાં નોંધપાત્ર વધારો થયો છે અને બેરોજગારી દર ઘટીને 3.2 ટકા થયો છે.
મંત્રીના જણાવ્યા અનુસાર, રોજગાર પ્રક્રિયાને સરળ અને પારદર્શક બનાવવા માટે સરકાર દ્વારા નેશનલ કરિયર સર્વિસ (NCS) પોર્ટલને એકીકૃત સિંગલ-વિન્ડો પ્લેટફોર્મ તરીકે વિકસાવવામાં આવ્યું છે. આ પોર્ટલ સાથે હાલમાં 55 લાખથી વધુ કંપનીઓ અને તમામ રાજ્ય સરકારોના રોજગાર પ્લેટફોર્મ જોડાયેલા છે. છેલ્લા દસ વર્ષમાં 6 કરોડથી વધુ યુવાનો NCS પર નોંધણી કરાવી ચૂક્યા છે.
માંડવિયાએ જણાવ્યું કે, અત્યાર સુધી યોજાયેલા જોબ ફેરના માધ્યમથી સરકારી ક્ષેત્રમાં 11.49 લાખ નિમણૂકો કરવામાં આવી છે. રોજગાર સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે NCS પોર્ટલને ઈ-માઇગ્રેટ, યુવા ભારત અને સ્કિલ ડેવલપમેન્ટ પ્લેટફોર્મ સાથે સંકલિત કરવામાં આવ્યું છે.
બિહાર રાજ્યનું ઉદાહરણ આપતાં મંત્રીએ જણાવ્યું કે, ત્યાં 53 લાખ લોકોએ NCS પર નોંધણી કરાવી હતી, જેમાંથી 39.8 લાખ યુવાનોને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા. વધુમાં, 4.5 લાખ યુવાનો જોબ ફેરમાં ભાગ લીધો, જેમાંથી 43,000 લોકોને નોકરી મળી. 20 જાન્યુઆરી, 2026 સુધીમાં બિહારમાં 3,280 જોબ ફેરનું આયોજન થયું હતું.
મંત્રીના જણાવ્યા મુજબ, RBIના 2024ના ડેટા અનુસાર છેલ્લા એક દાયકામાં 17 કરોડ રોજગારીની તકો ઊભી થઈ છે, જ્યારે 2004 થી 2014 દરમિયાન માત્ર 2.9 કરોડનો વધારો થયો હતો. હાલ દેશમાં કુલ રોજગારની તકો વધીને 64.33 કરોડ સુધી પહોંચી છે.
ગિગ વર્કર્સ અંગે તેમણે જણાવ્યું કે, દેશભરમાં આશરે 2 કરોડ ગિગ વર્કર્સ કાર્યરત છે અને નવી શ્રમ સંહિતા આ કામદારોને સામાજિક અને આરોગ્ય સુરક્ષા આપવા મહત્વપૂર્ણ સાબિત થશે.


Leave a Comment