પ્રેમ સંબંધ બન્યો મોતનું કારણ! અમદાવાદમાં સગીરાની હત્યા, પરિવાર શોકમાં ગરકાવ

અમદાવાદના સરખેજ વિસ્તારમાં નરીમનપુરા કેનાલ પાસેથી એક સગીરાનો મૃતદેહ મળતા સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી ગઈ છે. પોલીસે તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી.
સગીરાના માથા, મોઢા અને ગળા પર ગંભીર ઈજાના નિશાન મળતાં હત્યાની આશંકા વધુ મજબૂત બની છે. પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે સગીરા છેલ્લા બે મહિના પહેલા ઘરેથી નીકળી ગઈ હતી.
પરિવારજનોએ શરૂઆતમાં ધાર્યું હતું કે તે પોતાના પ્રેમી સાથે ગઈ હશે. આ કારણસર તેમણે પોલીસમાં ફરિયાદ નોંધાવી નહોતી અને જાતે જ શોધખોળ શરૂ કરી હતી. પરંતુ અચાનક તેની લાશ મળતાં સમગ્ર પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો છે.
- પ્રેમી યુવક સહિતના શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી
પોલીસના જણાવ્યા અનુસાર સગીરા પોતાની માતા સાથે સરખેજ વિસ્તારમાં રહેતી હતી. તેની નજીકના એક યુવક સાથે પ્રેમ સંબંધ હતા, જેના કારણે ઘરેલું વિવાદો વધ્યા હતા. માતાને આ સંબંધની જાણ થતાં તેઓ ઘર બદલીને અન્ય જગ્યાએ રહેવા ગયા હતા.
છતાંય સગીરા બે મહિના પહેલા કોઈને જાણ કર્યા વિના ઘરેથી નીકળી ગઈ હતી અને પછીથી તેની કોઈ ખબર ન પડી. હાલ સરખેજ પોલીસ આ કેસને ગંભીરતાથી તપાસી રહી છે. પોલીસે પ્રેમી યુવક સહિતના શંકાસ્પદ લોકોની પૂછપરછ શરૂ કરી છે.
ફોરેન્સિક ટીમ દ્વારા સ્થળ પરથી પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. સગીરાની હત્યા પાછળ પ્રેમ સંબંધ કે કોઈ અન્ય કારણ છે કે નહીં તે દિશામાં પણ તપાસ ચાલી રહી છે.