શેરબજારમાં ભારે ઝાટકો
સેન્સેક્સમાં 2700 પોઈન્ટનો ઘટાડો
BSE Sensex પ્રી-ઓપનિંગ સેશનમાં જ શુક્રવારના 81,287ના ક્લોઝિંગથી તૂટી 78,543 સુધી ખસી ગયો, એટલે કે અંદાજે 2,700 પોઈન્ટથી વધુનો ઘટાડો નોંધાયો. જોકે પ્રારંભિક ગભરાટ બાદ બજારમાં ઝડપી રિકવરી જોવા મળી અને સેન્સેક્સ ફરી 80,400ની આસપાસ પહોંચ્યો. તે છતાં બેંકિંગ, ઓટો અને મેટલ સેક્ટરમાં વેચવાલીનો દબાણ યથાવત્ રહ્યો.
નિફ્ટીમાં 450 પોઈન્ટથી વધુનો ઘટાડો
નિફ્ટી 50 શુક્રવારે 25,141 પર બંધ થયું હતું, પરંતુ બજાર ખુલતાં જ 24,645 સુધી તૂટી ગયું, એટલે કે 450થી વધુ પોઈન્ટનો ઘટાડો. બાદમાં તેમાં સુધારો આવી 24,800ની ઉપર ટ્રેડ થવા લાગ્યું. આથી સ્પષ્ટ થાય છે કે શરૂઆતના ગભરાટ બાદ રોકાણકારોએ પસંદગીયુક્ત ખરીદી શરૂ કરી.
સોનું-ચાંદીમાં જંગી તેજી
શેરબજારમાં નાણાં ધોવાતા રોકાણકારો હવે સુરક્ષિત રોકાણ તરીકે કિંમતી ધાતુઓ તરફ વળ્યા છે.
ચાંદીમાં ₹10,000થી વધુ ઉછાળો
મલ્ટી કોમોડિટી એક્સચેન્જ ઓફ ઇન્ડિયા (MCX) પર ચાંદીના ભાવમાં એકઝાટકે ₹10,056નો વધારો નોંધાયો. અગાઉનો બંધ ભાવ ₹2,82,644 હતો, જે વધીને ₹2,92,700 પર પહોંચ્યો.
સોનામાં ₹5,800થી વધુનો વધારો
સોનાનો અગાઉનો ભાવ ₹1,62,104 હતો, જે વધીને ₹1,67,915 પર ખૂલ્યો — એટલે કે પ્રતિ 10 ગ્રામ ₹5,811નો વધારો.
વૈશ્વિક પરિબળોની અસર
મિડલ ઈસ્ટમાં વધતા તણાવને કારણે ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં પણ વધારો થયો છે. જો આ પરિસ્થિતિ લાંબી ચાલશે તો મોંઘવારી પર દબાણ વધવાની શક્યતા છે. વિશ્લેષકોનું માનવું છે કે જો યુદ્ધની પરિસ્થિતિ વધુ વિકટ બનશે તો વિદેશી સંસ્થાગત રોકાણકારો (FII) દ્વારા વધુ વેચવાલી થઈ શકે છે.
બીજી તરફ સોનું અને ચાંદીમાં તેજીનો ટ્રેન્ડ ટૂંકા ગાળે યથાવત્ રહી શકે છે. આગામી દિવસોમાં વૈશ્વિક રાજકીય ઘટનાઓ, ક્રૂડ ઓઈલના ભાવ અને કરન્સી મૂવમેન્ટ બજારની દિશા નક્કી કરશે. રોકાણકારોને હાલ સાવચેત અને સંતુલિત વ્યૂહરચના અપનાવવાની સલાહ આપવામાં આવી રહી છે.


Leave a Comment