મુંબઈના જુહુ વિસ્તારમાં આવેલા પ્રખ્યાત બોલિવૂડ ડિરેક્ટર રોહિત શેટ્ટીના ઘરની બહાર ગઈકાલે મોડી રાત્રે થયેલા ગોળીબાર મામલે હવે એક મોટો ખુલાસો સામે આવ્યો છે. આ હુમલાની જવાબદારી લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સ્વીકારવામાં આવી હોવાનું સામે આવ્યું છે.
સોશિયલ મીડિયા પર શેર કરાયેલી એક પોસ્ટમાં ગેંગસ્ટર શુભમ લોંકર અને અર્જુ બિશ્નોઈએ ફાયરિંગની જવાબદારી લેતા દાવો કર્યો છે કે આ ઘટના માત્ર “ચેતવણી” હતી. પોસ્ટમાં લખવામાં આવ્યું છે કે રોહિત શેટ્ટીને અગાઉથી સંદેશાઓ મોકલીને તેમના કામમાં દખલ ન કરવા કહ્યું હતું, પરંતુ વાત ન સમજાતા આ કાર્યવાહી કરવામાં આવી.
આ પોસ્ટ બાદ બોલિવૂડ ઇન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. ગેંગસ્ટરોએ પોતાની પોસ્ટમાં સમગ્ર ફિલ્મ ઉદ્યોગને ચેતવણી આપવાનો દાવો કર્યો છે, જેના કારણે સેલિબ્રિટીઓની સુરક્ષા અંગે ફરી એકવાર ગંભીર ચિંતા ઊભી થઈ છે.
હુમલો ક્યારે અને કેવી રીતે થયો?
પોલીસના જણાવ્યા અનુસાર, આ ઘટના ગઈકાલે મોડી રાત્રે બની હતી. અજાણ્યા શખ્સે રોહિત શેટ્ટીના જુહુ સ્થિત ઘરની બહાર ચારથી પાંચ રાઉન્ડ જીવંત ગોળીબાર કર્યો હતો. ઘટનાના સમયે રોહિત શેટ્ટી ઘરની અંદર હાજર હતા, પરંતુ તેમને કોઈ ઇજા થઈ નહોતી.
ગોળીબારની જાણ થતાં જ મુંબઈ પોલીસ ઘટનાસ્થળે પહોંચી અને તપાસ શરૂ કરી. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે આ ઘટનામાં એક જ શંકાસ્પદ વ્યક્તિ સંડોવાયેલો હતો. CCTV ફૂટેજમાં શંકાસ્પદ વ્યક્તિ ચાલતા અને ગોળીબાર કરતા સ્પષ્ટ રીતે દેખાઈ રહ્યો છે.
હવે આ સમગ્ર મામલાની તપાસ મુંબઈ ક્રાઈમ બ્રાન્ચને સોંપવામાં આવી છે.
અગાઉ પણ બોલિવૂડ સ્ટાર્સને નિશાન બનાવાયા
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ લોરેન્સ બિશ્નોઈ ગેંગ દ્વારા સલમાન ખાનના ઘરની બહાર ગોળીબાર કરવામાં આવ્યો હતો. ઉપરાંત કેનેડામાં કપિલ શર્માના “કેપ્સ કાફે” અને અન્ય અનેક સેલિબ્રિટી સ્થળોને નિશાન બનાવવાના બનાવો સામે આવી ચૂક્યા છે.
તાજેતરના વર્ષોમાં દિશા પટાણી, એલ્વિશ યાદવ સહિત અનેક જાણીતા ચહેરાઓના ઘરની બહાર ફાયરિંગની ઘટનાઓ સામે આવી છે, જેના કારણે બોલિવૂડ સ્ટાર્સની સુરક્ષા ફરી ચર્ચાના કેન્દ્રમાં આવી છે.


Leave a Comment