પ્રભાસની આગામી ફિલ્મ ‘ધ રાજા સાબ’ રિલીઝ પહેલાં જ બોક્સ ઓફિસ પર મોટો બઝ બનાવી રહી છે. તાજેતરમાં રિલીઝ થયેલા ટ્રેલરે ચાહકોમાં ભારે ઉત્સાહ જગાવ્યો છે અને તેની સીધી અસર ફિલ્મની એડવાન્સ બુકિંગ પર જોવા મળી રહી છે.
‘ધ રાજા સાબ’ 2026ની પહેલી મોટી ફિલ્મ તરીકે સામે આવી શકે છે. અમેરિકા સહિત કેટલાક વિદેશી બજારોમાં ફિલ્મની પ્રી-સેલ્સ શરૂ થઈ ગઈ છે અને શરૂઆતના ટ્રેન્ડ્સ ફિલ્મ માટે શાનદાર ઓપનિંગના સંકેત આપી રહ્યા છે. નિર્માતાઓ દ્વારા જાહેર કરવામાં આવેલા પોસ્ટર મુજબ, 28 ડિસેમ્બર સુધીમાં અમેરિકામાં પ્રીમિયર શો માટે $200,000 (આશરે રૂ. 2 કરોડ)થી વધુની ટિકિટ વેચાઈ ચૂકી છે.
પોસ્ટરમાં લખાયું છે કે, “રેબેલ સાબનો ક્રેઝ હમણાં જ શરૂ થયો છે. ઉત્તર અમેરિકામાં પ્રીમિયર માટે પ્રી-સેલ્સ $200,000 પાર કરી ચૂક્યા છે અને તે સતત વધી રહ્યા છે.” ટ્રેલર રિલીઝ બાદ આ આંકડો હજી વધુ વધવાની શક્યતા છે.
‘ધ રાજા સાબ’ એક હોરર-ફેન્ટસી ફિલ્મ છે, જે પ્રભાસની હિટ ફિલ્મો ‘સલાર’ અને ‘કલ્કી 2898 એડી’ પછી આવી રહી છે. મારુતિના દિગ્દર્શનમાં બનેલી આ ફિલ્મમાં સંજય દત્ત, નિધિ અગ્રવાલ, માલવિકા મોહનન, બમન ઈરાની અને રિદ્ધિ કુમાર જેવા જાણીતા કલાકારો જોવા મળશે.
ફિલ્મનું શૂટિંગ હૈદરાબાદની બહાર બનાવેલા એક વિશાળ અને અનોખા સેટ પર થયું છે, જેમાં હોરર હવેલીને ખાસ રીતે ફરીથી ડિઝાઇન કરવામાં આવી છે. મેકિંગથી લઈને સ્ટોરી અને વિઝ્યુઅલ્સ સુધી, ‘ધ રાજા સાબ’ને લઈને દર્શકોની અપેક્ષાઓ આસમાને પહોંચી ગઈ છે.
રિલીઝ પહેલા જ કરોડોની કમાણી અને જબરદસ્ત હાઇપ સાથે ‘ધ રાજા સાબ’ પ્રભાસના કરિયરમાં એક વધુ મોટી હિટ સાબિત થશે કે નહીં, તેની તમામની નજર હવે ફિલ્મની રિલીઝ પર ટકેલી છે


Leave a Comment