મુંબઈ–અમદાવાદ ફ્લાઈટમાં હચમચાવી દેતી ઘટના, મુસાફરો ભગવાનને યાદ કરવા લાગ્યા

by

Thenewsdk

Updated: 13-01-2026, 09.56 AM

Follow us:

મુંબઈથી અમદાવાદ આવી રહેલી અકાસા એરની ફ્લાઈટમાં આજે મુસાફરોએ મોતનો સાક્ષાત્કાર કર્યો હોય તેવી દહેશતભરી સ્થિતિ સર્જાઈ હતી. અમદાવાદ એરપોર્ટ પર બે વાર લેન્ડિંગના નિષ્ફળ પ્રયાસ બાદ પાયલોટે મુસાફરોની સલામતીને ધ્યાનમાં રાખીને વિમાનને રાજસ્થાનના જયપુર એરપોર્ટ તરફ ડાયવર્ટ કરવાનો નિર્ણય લીધો હતો. આ ઘટનાને પગલે એરપોર્ટ ઓથોરિટી અને ગ્રાઉન્ડ સ્ટાફ તાત્કાલિક હરકતમાં આવી ગયા હતા.

બોઈંગ 737 મેક્સમાં ટેકનિકલ ખામી

પ્રાપ્ત માહિતી અનુસાર અકાસા એરનું બોઈંગ 737 મેક્સ 8 વિમાન સવારે 8:40 વાગ્યે મુંબઈથી ઉડાન ભરી હતી. ફ્લાઈટને સવારે 10:00 વાગ્યે અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર લેન્ડ થવાનું હતું. વિમાન અમદાવાદની હવાઈ સીમામાં પ્રવેશ્યું ત્યારે પાયલોટને લેન્ડિંગ ગિયર અથવા ફ્લેપ્સમાં ટેકનિકલ ખામી હોવાની આશંકા જણાઈ હતી. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઈમરજન્સી પ્રોટોકોલ મુજબ એરપોર્ટને એલર્ટ કરવામાં આવ્યો હતો.

રનવેની સાવ નજીક જઈને ફરી હવામાં ઉડ્યું વિમાન

પ્રથમ લેન્ડિંગ પ્રયાસ દરમિયાન વિમાન રનવેની બહુ નજીક આવી ગયું હતું, પરંતુ ટચ-ડાઉન પહેલા જ પાયલોટે જોખમ પારખી વિમાનને ફરી હવામાં ખેંચી લીધું હતું. થોડા સમય બાદ બીજો પ્રયાસ કરવામાં આવ્યો, પરંતુ ફરી એ જ સ્થિતિ સર્જાઈ. સતત બે વાર ‘ગો-અરાઉન્ડ’ થતાં વિમાનની અંદર ભયનો માહોલ ફેલાઈ ગયો હતો અને મુસાફરોમાં ચીસાચીસ શરૂ થઈ ગઈ હતી.

મુસાફરની આપવીતી

ફ્લાઈટમાં સવાર એક મુસાફરે જણાવ્યું કે,
“બીજી વાર પ્લેન રનવે પરથી પાછું ઉપર ગયું ત્યારે અમને લાગ્યું કે હવે બચવાનો કોઈ રસ્તો નથી. વિમાન ખૂબ ધ્રુજતું હતું, અંદર લોકો રડવા લાગ્યા હતા. દરેક શ્વાસ અટકી ગયો હતો.”
એરહોસ્ટેસ અને ક્રૂ મેમ્બર્સ મુસાફરોને શાંત રાખવાનો પ્રયાસ કરી રહ્યા હતા, પરંતુ દહેશત સ્પષ્ટ દેખાતી હતી.

જયપુરમાં સલામત લેન્ડિંગ બાદ રાહત

પરિસ્થિતિ ગંભીર બનતી જોતા પાયલોટે અમદાવાદમાં લેન્ડિંગનો પ્રયાસ છોડીને ATCની સલાહ મુજબ ફ્લાઈટને જયપુર તરફ ડાયવર્ટ કરી હતી. જયપુર એરપોર્ટ પર વિમાનનું સલામત લેન્ડિંગ થતાં મુસાફરોએ હાશકારો લીધો હતો.

ટેકનિકલ નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પવનની ગતિ અથવા લેન્ડિંગ સિસ્ટમમાં ખામી આ ઘટનાનું કારણ હોઈ શકે છે. અકાસા એર દ્વારા સમગ્ર મામલે સત્તાવાર તપાસના આદેશ આપવામાં આવ્યા છે. મુસાફરોને અમદાવાદ લાવવા માટે વૈકલ્પિક ફ્લાઈટની વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

Related Latest News

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.