બિહારના પૂર્વી ચંપારણ જિલ્લાના કૈથવલિયામાં સ્થિત વિરાટ રામાયણ મંદિરમાં 17 જાન્યુઆરી, 2026ના રોજ વિશ્વના સૌથી ઊંચા શિવલિંગની ઐતિહાસિક પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી. આ ભવ્ય ધાર્મિક પ્રસંગે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમાર સહિત અનેક રાજકીય અને ધાર્મિક મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી.
મંદિરમાં સ્થાપિત આ વિરાટ શિવલિંગ 33 ફૂટ ઊંચું અને 33 ફૂટ ગોળાઈ ધરાવે છે, જ્યારે તેનું વજન અંદાજે 200 મેટ્રિક ટન છે. આ ભવ્ય શિલ્પનું નિર્માણ તમિલનાડુના મહાબલીપુરમમાં છેલ્લા દસ વર્ષથી મુખ્ય શિલ્પકાર લોકનાથ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.
આ સ્થાપનાની સૌથી વિશેષ વાત એ છે કે વિરાટ રામાયણ મંદિરના નિર્માણ માટે મુસ્લિમ સમુદાયના લોકોએ પણ પોતાની જમીન દાનમાં આપી છે, જે હિન્દુ-મુસ્લિમ એકતા અને સર્વધર્મ સમભાવનું અનોખું ઉદાહરણ બની રહ્યું છે. મંદિર સંકુલ આશરે 120 એકરમાં ફેલાયેલું હશે, જેમાં 12 શિખર અને 22 મંદિરો હશે. તેમાંનું સૌથી ઊંચું શિખર 270 ફૂટનું રહેશે.
પ્રાણપ્રતિષ્ઠા દરમિયાન હરિદ્વાર અને પટનાથી આવેલા વિશેષ આચાર્યો દ્વારા વૈદિક મંત્રોચ્ચાર સાથે પૂજા સંપન્ન કરવામાં આવી. કમ્બોડિયાથી મંગાવવામાં આવેલા વિશેષ ફૂલોથી હેલિકોપ્ટર દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી, જેના કારણે સમગ્ર પરિસર ભક્તિભાવથી ગુંજી ઉઠ્યો.
મંદિર પ્રશાસન અનુસાર, 17 જાન્યુઆરીનું ધાર્મિક મહત્વ વિશેષ છે, કારણ કે માન્યતા છે કે આ દિવસે ભગવાન શિવ લિંગ સ્વરૂપે પ્રગટ થયા હતા. 23 નવેમ્બર, 2025ના રોજ મહાબલીપુરમથી રવાના થયેલું આ વિરાટ શિવલિંગ 5 જાન્યુઆરી, 2026ના રોજ કૈથવલિયા પહોંચ્યું હતું અને ત્યારથી હજારો ભક્તો તેના દર્શન માટે ઉમટી રહ્યા છે.


Leave a Comment