ધોળે દિવસે યુવકની હત્યા, પ્રેમ સંબંધના વહેમમાં અજાણ્યા શખ્સોએ કર્યો હુમલો

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના ત્રંબો ગામમાં આજે એક કરૂણ ઘટના બની છે. પ્રેમ સંબંધના વહેમને કારણે એક યુવકની તીક્ષ્ણ હથિયારથી હત્યા કરવામાં આવી હોવાનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે. ગામના બસ સ્ટેન્ડ નજીક ધનસુખ ડોડીયા નામના યુવક પર અજાણ્યા શખ્સોએ હુમલો કરતાં તેનું મોત નિપજાવ્યું હતું.
- શું છે સમગ્ર ઘટના?
મળતી માહિતી મુજબ, ધનસુખ ડોડીયા ત્રંબો ગામના ફાર્મ હાઉસમાં કામ કરતો હતો અને સ્વભાવથી શાંત માનવામાં આવતો હતો. આજે બપોરે બસ સ્ટેન્ડ નજીક કેટલાક શખ્સો સાથે તેની બોલાચાલી થઈ હતી, ત્યારબાદ તેના પર તીક્ષ્ણ હથિયારથી હુમલો કરવામાં આવ્યો હતો. ગંભીર રીતે ઘાયલ થયેલા ધનસુખને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યો, પરંતુ રસ્તામાં જ તેનું મોત થયું.
- હત્યાનું કારણ
પ્રારંભિક તપાસમાં પોલીસે પ્રેમ સંબંધના વહેમને કારણે આ હત્યા થઈ હોવાનું અનુમાન વ્યક્ત કર્યું છે. હુમલો કરનાર શખ્સો ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. રાપર પોલીસે ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. આરોપીઓને ઝડપવા માટે વિવિધ ટીમો તૈનાત કરવામાં આવી છે.



