ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026ની બીજી સેમિફાઇનલમાં આજે ભારત અને ઇંગ્લેન્ડ આમને-સામને ટકરાશે. ગુરુવારે સાંજે 7 વાગ્યે શરૂ થનારા આ હાઈ-વોલ્ટેજ મુકાબલામાં વિજેતા બનનારી ટીમ 8 માર્ચે અમદાવાદમાં ન્યૂઝીલેન્ડ સામે ફાઇનલ રમશે. મેચ પહેલા પિચની સ્થિતિ અને બંને ટીમોના આંકડાઓને લઈને ક્રિકેટ જગતમાં ભારે ચર્ચા જાગી છે.
મેચ માટે કઈ પિચ નક્કી કરવામાં આવી?
આ મહત્વની મેચ માટે સ્ટેડિયમની પિચ નંબર 7 નક્કી કરવામાં આવી છે. આ પિચ મેદાનની બરાબર મધ્યમાં છે, જેના કારણે બંને બાજુની બાઉન્ડ્રી સમાન અંતરે રહેશે. છેલ્લે 12 ફેબ્રુઆરીએ આ પિચનો ઉપયોગ થયો હતો, તેથી તે હાલમાં તદ્દન નવી સપાટી જેવી છે. પિચ પર ઘાસનો હળવો પડ રાખવામાં આવ્યો છે, જે મુંબઈના ગરમ હવામાનમાં પિચને જીવંત રાખવામાં મદદ કરશે.
હેડ-ટુ-હેડ આંકડા
T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં ભારત અને ઇંગ્લેન્ડ પાંચ વખત સામસામે આવી ચૂક્યા છે. 2024ની સેમિફાઇનલમાં ભારતની જીત બાદ વર્લ્ડ કપમાં હેડ-ટુ-હેડ રેકોર્ડમાં ભારત 3-2 થી આગળ છે. એકંદર T20I રેકોર્ડની વાત કરીએ તો, ભારતે ઇંગ્લેન્ડ સામે 17 મેચ જીતી છે, જ્યારે ઇંગ્લેન્ડ 12 મેચમાં સફળ રહ્યું છે. ખાસ કરીને ઘરઆંગણે ભારતનો રેકોર્ડ શાનદાર છે, જ્યાં તેમણે છેલ્લી સાતમાંથી છ મેચમાં ઇંગ્લેન્ડને હરાવ્યું છે.
બંને ટીમો માટે સંભવિત પ્લેઇંગ-11
ભારત: અભિષેક શર્મા, સંજુ સેમસન, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, તિલક વર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દુબે, અક્ષર પટેલ, જસપ્રિત બુમરાહ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી
ઈંગ્લેન્ડ: ફિલ સોલ્ટ, જોસ બટલર, હેરી બ્રુક, જેકબ બેથેલ, ટોમ બેન્ટન, સેમ કરન, વિલ જેક્સ, જેમી ઓવરટોન, લિયામ ડોસન, જોફ્રા આર્ચર, આદિલ રશીદ.


Leave a Comment