બનાસકાંઠા જિલ્લાના પાંથાવાડા નજીક ટ્રેક્ટર અને બાઈક વચ્ચે થયેલા ભીષણ અકસ્માતમાં બે વિદ્યાર્થીઓના કરુણ મોત થયા હોવાની ઘટના સામે આવી છે. બપોરે લગભગ 3 વાગ્યે પેપર આપવા નીકળેલા બે મિત્રો અકસ્માતનો ભોગ બનતા વિસ્તારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે.
અકસ્મતમાં ઘાયલ બનેલા વિદ્યાર્થીઓને તરત જ સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરંતુ ડોક્ટરોએ તપાસ કર્યા બાદ બંનેને મૃત જાહેર કર્યા હતા, જેને કારણે પરિવારજનોમાં ભારે શોક છવાઈ ગયો છે.
બાઈક સવાર વિદ્યાર્થીઓ પેન અને કમ્પાસ બોક્સ લઈને પરીક્ષા આપવા નીકળ્યા હતા, પરંતુ અકસ્માતે તેમની જિંદગી છીનવી લીધી. આ દુર્ઘટનાના કારણે પાંથાવાડા હાઈવે પર થોડા સમય માટે ટ્રાફિક પણ અસરગ્રસ્ત બન્યો હતો.
મૃતક વિદ્યાર્થીઓ સાતળપુર અને ગુંદટી ગામના હોવાનું જાણવા મળ્યું છે. આ ઘટના બાદ બંને ગામોમાં શોકની લાગણી છવાઈ ગઈ છે.
પોલીસે ઘટનાસ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી હાથ ધરી છે અને મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે ખસેડવાની પ્રક્રિયા શરૂ કરી છે.
મૃતક વિદ્યાર્થીઓની વિગતો
લાલાભાઈ વિઠલાભાઈ ચૌધરી (ઉંમર 17 વર્ષ, રહે. સાતળપુર)
હર્ષસિંહ શૈલેશસિંહ રાજપૂત (ઉંમર 17 વર્ષ, રહે. ગુંદટી)


Leave a Comment