Ahmedabad-વડોદરા એકસપ્રેસ હાઇવે પર ટ્રિપલ અકસ્માત : 3ના મોત, 15થી વધુ ઈજાગ્રસ્ત, હાઈવ પર ટ્રાફિક જામ

અમદાવાદ જિલ્લાના કણભા નજીક અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર સોમવારે વહેલી સવારે એક ગમખ્વાર ટ્રિપલ અકસ્માત સર્જાયો હતો. આ ગંભીર દુર્ઘટનામાં અત્યાર સુધીમાં ત્રણ લોકોનાં મોત થયા છે,
જ્યારે 15થી વધુ મુસાફરો ઈજાગ્રસ્ત થયા છે. અકસ્માત એટલો ભયંકર હતો કે મૃત્યુઆંક વધવાની શક્યતા વ્યક્ત કરાઈ છે. આ ઘટનાથી હાઇવે પર ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.
- પહેલા લક્ઝરી બસ અને કિયા કાર સામસામે અથડાઈ હતી
અકસ્માતની શરૂઆત પટેલ ટ્રાવેલ્સની લક્ઝરી બસ અને કિયા કારના અથડામણથી થઈ હતી. બંને વાહનોના ડ્રાઇવરો સમાધાન માટે નીચે ઉતર્યા હતા, અને કેટલાક મુસાફરો પણ બસમાંથી નીચે ઉતર્યા હતા.
તે જ સમયે, પાછળથી અચાનક આવેલી એક ટ્રક નીચે ઉભેલા મુસાફરો પર ફરી વળી હતી. ટ્રકના ટકરાવાથી નીચે ઉભેલા મુસાફરો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા હતા, જેમને તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
- આઠ ઈજાગ્રસ્તને એલજી હોસ્પિટલમાં લવાયા
અકસ્માતમાં ઈજાગ્રસ્ત થયેલા મુસાફરોને સારવાર માટે અમદાવાદની જુદી જુદી હોસ્પિટલોમાં ખસેડાયા છે. મણિનગરની એલજી હોસ્પિટલમાં કુલ ૮ લોકો સારવાર માટે આવ્યા હતા,
જેમાં એક મૃતદેહ લાવવામાં આવ્યો હતો. આઠ પૈકી 6 દર્દીઓ પ્રાથમિક સારવાર લઈને રવાના થયા હતા, જ્યારે અન્ય 4 દર્દીઓ વડોદરાના રહેવાસી હોવાથી પ્રાથમિક સારવાર લઈને વધુ સારવાર માટે વડોદરા જવા રવાના થયા હતા. હાલમાં એલજી હોસ્પિટલમાં માત્ર એક જ દર્દી સારવાર હેઠળ છે.



