Trump tariff : ભારતીય બજારોમાં અરાજકતા, આ 5 ફાર્મા કંપનીઓના શેર તૂટ્યા

ડોનાલ્ડ ટ્રમ્પે ગુરુવારે મોડી રાત્રે ફાર્માસ્યુટિકલ્સ સહિત અનેક ક્ષેત્રો પર ટેરિફની જાહેરાત કરી. ફાર્માસ્યુટિકલ્સ પર જાહેર કરાયેલા 100% ટેરિફની આજે ભારતીય શેરબજાર પર અસર પડી રહી છે. ભારતીય શેરબજાર આજે દબાણ હેઠળ ટ્રેડ કરી રહ્યું છે.
સેન્સેક્સ 412.67 પોઈન્ટ ઘટીને 80,747.01 પર અને નિફ્ટી 115 પોઈન્ટ ઘટીને 24,776 પર ટ્રેડ કરી રહ્યો છે. દરમિયાન, યુનાઇટેડ સ્ટેટ્સમાં નોંધપાત્ર એક્સપોઝર ધરાવતા ફાર્માસ્યુટિકલ શેરોમાં આજે ઘટાડો થયો હતો.
સન ફાર્માના શેર લગભગ 3.8 ટકા ઘટીને 1580 પર
ટ્રમ્પ ટેરિફની જાહેરાત બાદ પાંચ ભારતીય ફાર્મા શેર, જેમાં ઓરોબિંદો, લુપિન, DRL, સન અને બાયોકોનનો સમાવેશ થાય છે, તેમાં તીવ્ર ઘટાડો થયો છે. અરવિંદો ફાર્મા 1.91 ટકા ઘટીને ₹1,076 પર ટ્રેડ થઈ રહ્યો છે.
લુપિન શેર લગભગ 3 ટકા ઘટીને ₹1,918.60 પર ટ્રેડ થઈ રહ્યો છે. સન ફાર્માના શેર લગભગ 3.8 ટકા ઘટીને 1580 પર ટ્રેડ થઈ રહ્યા હતા. સિપ્લાના શેર 2 ટકા ઘટ્યા હતા. સ્ટ્રાઈડ્સ ફાર્મા સાયન્સ 6 ટકા, નેટકો ફાર્મા 5 ટકા, બાયોકોન 4 ટકા, ગ્લેનફાર્મા 3.7 ટકા, ડિવિલાબ ૩ ટકા, IPCA લેબ્સ 2.5 ટકા અને ઝાયડસ લાઈફ 2 ટકા ઘટ્યા હતા. મેનકાઈન્ડ ફાર્મા પણ 3.30 ટકા ઘટ્યા હતા.
ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર આજે સૌથી વધુ દબાણ
BSEના ટોચના 30 શેરોમાં, સન ફાર્માના ભાવમાં સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો, જેમાં 3.8 ટકાનો ઘટાડો થયો. ત્યારબાદ ઇન્ફોસિસ, ટેક મહિન્દ્રા અને એશિયન પેઇન્ટ્સ સહિત 25 શેરના ભાવમાં 2 ટકા સુધીનો ઘટાડો થયો. બાકીના પાંચ શેરના ભાવમાં વધારો થયો.
ટેરિફની જાહેરાત પછી ફાર્માસ્યુટિકલ ક્ષેત્ર આજે સૌથી વધુ દબાણ અનુભવી રહ્યું છે, જેમાં 1.80% ઘટાડો થયો છે. વધુમાં, H-1B વિઝા સમસ્યાઓના કારણે, IT ક્ષેત્ર 1.30% અને આરોગ્યસંભાળ ક્ષેત્ર 1.50% નીચે ટ્રેડ કરી રહ્યું છે.
88 શેર ૫૨ અઠવાડિયાના નીચલા સ્તરે પહોંચ્યા:
3,073 BSE શેરોમાંથી 864 શેરોમાં તેજી જોવા મળી રહી છે જ્યારે 2,062 શેરોમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. 147 શેરોમાં કોઈ ચાલ જોવા મળી રહી નથી. 76 શેર ઉપલા સર્કિટમાં અને 65 શેર નીચલા સર્કિટમાં છે.
88 શેર ૫૨ અઠવાડિયાના નીચલા સ્તરે ટ્રેડ થઈ રહ્યા છે. શેરબજારમાં ઘટાડાને કારણે આજે રોકાણકારોને નોંધપાત્ર નુકસાનનો સામનો કરવો પડી રહ્યો છે . BSEનું બજાર મૂડીકરણ ગઈકાલે ₹457 લાખ કરોડ હતું તેની સરખામણીમાં આજે ₹454 લાખ કરોડ પર પહોંચી ગયું છે. આનો અર્થ એ થયો કે રોકાણકારોએ આશરે ₹3 લાખ કરોડ ગુમાવ્યા છે.