સતલાસણા-ખેરાલુ હાઇવે પર બસ અને કાર વચ્ચે ધડાકાભેર ટક્કર, બે લોકોના ઘટનાસ્થળે જ મોત, 6 ઘાયલ

મહેસાણાના સતલાસણા-ખેરાલુ હાઇવે પર આવેલા જૂના તારંગા રેલ્વે સ્ટેશન અને સંભવનાથ મહાદેવ પાસે આજે સવારે અંબાજીથી રાજપીપળા જતી એક સરકારી બસ અને કાર વચ્ચે જોરદાર ટક્કર થઇ હતી. આ ટક્કર એટલી ભયંકર હતી કે ઘટનાસ્થળે જ 2 લોકોના મોત થયા હતા. જ્યારે 6 લોકો ઘાયલ થયા હતા.
સ્થાનિકોએ ઘાયલોને હોસ્પિટલ ખસેડ્યા
સ્થાનિક લોકોને ઘટનાની જાણ થતા સ્થાનિકો અને હાઇવે પરથી પસાર થતા અન્ય વાહનચાલકો મદદ માટે દોડી આવ્યા હતા, જેમણે કારમાં ઘાયલ થયેલા લોકોને બહાર કાઢ્યા હતા અને 108 એમ્બ્યુલન્સને જાણ કરતા એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે દોડી આવી હતી.
ઉલ્લેખનીય છે કે ખેરાલુથી સતલાસણા સુધી નવા હાઇવેનું નિર્માણ થઈ રહ્યું છે ત્યારે આ કામ ધીમી ગતિએ ચાલી રહ્યું છે. જ્યારે બીજી બાજુ હાઇવેની બાજુમાં સર્વિસ રોડ બનાવવા માટે ખાડા કરવામાં આવ્યા છે અને રોડ પણ તૂટેલો છે. જેના કારણે અહીં વારંવાર અકસ્માતની ઘટના બનતી રહે છે.