મારું ગુજરાત
રીબડામાં મોડી રાતે ફાયરિંગ, બુકાનીધારી બે શખ્સોએ જયદિપસિંહના પેટ્રોલ પંપ પર કર્યું ફાયરિંગ

ગોંડલ તાલુકાના રીબડા ગામે ગઈ રાતે અંદાજે 1 વાગ્યે બુકાનીધારી બે અજાણ્યા શખ્સોએ અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહ જાડેજાના પેટ્રોલ પંપ પર ગોળીબાર કર્યો હતો.
હુમલાખોરોએ બાઈક પરથી ફાયરિંગ કરીને ભયનો માહોલ ઉભો કર્યો હતો. પેટ્રોલ પંપના કર્મચારી જાવેદ ખોખરે જણાવ્યું કે ગોળી ઓફિસના કાચ તોડીને અંદર આવેલા મંદિરના ભાગે વાગી હતી.
ત્યારબાદ એક શખ્સે જાવેદભાઈ સામે બંદૂક તાકી હતી, જેના કારણે તેઓ ઝડપથી ઓફિસમાં છુપાઈ ગયા. હુમલા બાદ બંને શખ્સો બાઈક લઈને ફરાર થઈ ગયા.
પેટ્રોલ પંપના માલિક ઘટના સ્થળે
ઘટનાની જાણ થતા જ પંપના માલિક જયદીપસિંહ અને સત્યજિતસિંહ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. પોલીસે સમગ્ર ઘટનાની ગંભીરતાથી તપાસ શરૂ કરી છે. આ હુમલામાં કોઈને ઇજા પહોંચી નથી, પરંતુ લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે.