Bhavnagar Somnath Highway accident: ભટ્ટવદર નજીક નેશનલ હાઈવે પર બાઇક અને ટ્રક વચ્ચે જોરદાર અથડામણ સર્જાઈ હતી. અકસ્માત એટલો ગંભીર હતો કે, એક યુવાનનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે બીજા યુવાનને ગંભીર હાલતમાં સારવાર માટે રાજુલા હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો, પરંતુ સારવાર દરમિયાન તેનું પણ દુર્ભાગ્યવશ મોત થયું હતું. આમ, આ કરૂણ અકસ્માતમાં કુલ બે લોકોના જીવ ગયા છે.
મૃતકોની ઓળખ
મૃતકોની ઓળખ નાગેશ્રી ગામના રહેવાસી રમેશ સાંખટ અને મનુ સાંખટ તરીકે થઈ છે. બંને યુવાનોના અચાનક નિધનથી પરિવારજનો પર દુખનો પહાડ તૂટી પડ્યો છે. ગામમાં શોકનો માહોલ છવાઈ ગયો છે અને મોટી સંખ્યામાં લોકો શોક વ્યક્ત કરવા માટે તેમના ઘરે પહોંચી રહ્યા છે.
અકસ્માતનું કારણ
સ્થાનિક લોકોના જણાવ્યા મુજબ, નેશનલ હાઈવે પર માટીના બનાવેલા પાળાને કારણે આ અકસ્માત સર્જાયો છે. હાઈવે પર બોક્સ કન્વર્ટનું કામ લાંબા સમયથી બાકી છે. યોગ્ય ડ્રેનેજ અને માર્ગ સુવિધા માટે કાયમી વ્યવસ્થા કરવાને બદલે તાત્કાલિક રીતે માટીના પાળા બનાવી દેવાતા વાહનચાલકો માટે જોખમી પરિસ્થિતિ ઊભી થઈ રહી છે. ખાસ કરીને રાત્રિના સમયે અથવા અચાનક વળાંક વખતે આવા માટીના ઢગલાઓ અકસ્માતનું કારણ બની રહ્યા છે.
વારંવાર રજૂઆતો છતાં સમસ્યા યથાવત
સ્થાનિક અગ્રણી પ્રતાપભાઈ વરૂ (બાલાનીવાવ)એ આ બનાવ અંગે કડક પ્રતિક્રિયા વ્યક્ત કરી હતી. તેમણે જણાવ્યું કે છેલ્લા પાંચ વર્ષથી આ માર્ગ પર અનેક નાના-મોટા અકસ્માતો થઈ રહ્યા છે, છતાં નેશનલ હાઈવે ઓથોરિટી તરફથી કોઈ સચોટ અને કાયમી પગલાં લેવામાં આવ્યા નથી. વારંવાર રજૂઆતો છતાં સમસ્યા યથાવત રહી છે, જેના પરિણામે નિર્દોષ લોકો જીવ ગુમાવી રહ્યા છે.


Leave a Comment