પંચમહાલમાં બે યુવકોને ઝાડ સાથે બાંધી ઢોર માર માર્યો, વીડિયો વાઈરલ થતા 10 લોકોની અટકાયત

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના એક ગામમાં પ્રેમસંબંધ મામલે બે યુવકોને ઝાડ સાથે બાંધીને બેરહેમીપૂર્વક માર મારવામાં આવ્યો હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ થયા બાદ ખળભળાટ મચી ગયો છે. શહેરા પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને ગણતરીના કલાકોમાં જ વીડિયોમાં દેખાતા કુલ 10 આરોપીની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
ઘરેથી ભાગીને મહેમદાવાદ ખાતે મજૂરી કરવા ગયા હતા
મળતી માહિતી મુજબ, આ બંને યુવક શહેરાના એક ગામની બે યુવતી સાથે પ્રેમસંબંધ ધરાવતા હતા અને તેઓ ઘરેથી ભાગીને ખેડા જિલ્લાના મહેમદાવાદ ખાતે મજૂરી કરવા ગયા હતા. આ વાતની જાણ થતાં યુવતીઓના સગા-સંબંધીઓ અને અન્ય આશરે 10 જેટલા લોકો કાર લઈને મહેમદાવાદ પહોંચ્યા હતા. ત્યાંથી તેઓએ બંને યુવક અને યુવતીને બળજબરીપૂર્વક ગાડીમાં બેસાડીને તાડવા ગામે લાવ્યા હતા.
ઝાડ સાથે બાંધી બેરહેમીપૂર્વક માર માર્યો
તાડવા ગામે લાવીને બંને યુવકોને એક ઝાડ સાથે દોરડાથી બાંધી દેવામાં આવ્યા હતા. ત્યાર બાદ આરોપીઓએ તેમને અપશબ્દો બોલી, લાકડાના ડંડા અને ગડદાપાટુંથી બેરહેમીપૂર્વક માર માર્યો હતો. માર મારવા ઉપરાંત, આરોપીઓએ યુવકોને મારી નાખવાની ધમકી આપી હતી અને આ સમગ્ર ઘટનાનો વીડિયો પણ બનાવ્યો હતો.