Union Minister Nitin Gadkari : E20 પેટ્રોલ સુરક્ષિત છે, માઈલેજમાં નજીવો ઘટાડો: નીતિન ગડકરી

ઈથેનોલ બ્લેન્ડ ફ્યુલ (E20 પેટ્રોલ)નો મુદ્દો હાલ દેશભરમાં ચર્ચાનો વિષય બન્યો છે. અનેક વાહનચાલકોએ વિવિધ પ્લેટફોર્મ પર ફરિયાદો કરી છે કે, ઈથેનોલ મિશ્રિત પેટ્રોલના ઉપયોગથી તેમના વાહનોના માઈલેજ અને પર્ફોર્મન્સ પર નકારાત્મક અસર થઈ છે.
આ વિવાદ વચ્ચે કેન્દ્રીય માર્ગ પરિવહન અને હાઈવે મંત્રી નીતિન ગડકરીએ પોતાની સ્પષ્ટતા આપી છે. તેમણે જણાવ્યું કે, આ મુદ્દો હકીકતમાં રાજનીતિથી પ્રેરિત છે અને તેમના વિરુદ્ધ એક “પેઈડ પોલિટિકલ કેમ્પેઈન” (પૈસા ચૂકવી ચલાવવામાં આવેલી ઝુંબેશ) ચાલી રહી છે.
આ ઈંધણ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે
દિલ્હીમાં યોજાયેલા સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ (સિયામ)ના 65મા વાર્ષિક સંમેલનમાં ગડકરીએ જણાવ્યું કે, E20 પેટ્રોલ અંગે સોશિયલ મીડિયા પર ઇરાદાપૂર્વક ચિંતાઓને વધારીને રજૂ કરવામાં આવી રહી છે.
તેમણે દાવો કર્યો કે, આ ઈંધણ સંપૂર્ણ રીતે સુરક્ષિત છે અને તેને રેગ્યુલેટર્સ સાથે ઓટોમોબાઈલ ઉત્પાદકો બંનેનું સમર્થન છે. ગડકરીએ વધુમાં ઉમેર્યું કે, ARAI અને સુપ્રીમ કોર્ટને પણ આ પ્રોગ્રામ અંગે સ્પષ્ટતા આપવામાં આવી છે.
2023 પહેલાં બનેલા જુના મોડલ
તેમ છતાં સોશિયલ મીડિયા પર ઘણા લોકો દાવો કરી રહ્યા છે કે, E20 જેવા હાઈ-ઈથેનોલ બ્લેન્ડથી વાહનોની માઈલેજ ઘટે છે. ખાસ કરીને 2023 પહેલાં બનેલા જુના મોડલ ટેક્નિકલ રીતે આ ઈંધણ માટે તૈયાર નથી,
જેના કારણે ફ્યુલ સિસ્ટમને નુકસાન પહોંચે છે. લોકલ સર્કલ દ્વારા કરાયેલા એક સર્વેમાં પણ બહાર આવ્યું હતું કે, આશરે 44% લોકો ઈથેનોલ મિશ્રિત પેટ્રોલને સમર્થન કરતા નથી.
ફોર વ્હીલર્સમાં 1-2% ઘટાડો થાય
આ મુદ્દે પેટ્રોલિયમ અને નેચરલ ગેસ મંત્રાલયે સ્પષ્ટતા કરી હતી કે, ઈથેનોલની એનર્જી ક્ષમતા રેગ્યુલર પેટ્રોલ કરતાં ઓછી હોવાથી માઈલેજમાં થોડો ઘટાડો થાય છે. ઉદાહરણરૂપ, E10 માટે ડિઝાઈન કરાયેલા તેમજ E20 માટે કેલિબ્રેટ કરાયેલા ફોર વ્હીલર્સમાં 1-2% ઘટાડો થાય છે, જ્યારે અન્ય વાહનોમાં 3-6% સુધી માઈલેજ ઘટી શકે છે. આમ છતાં સરકારનું કહેવું છે કે, આ એક નગણ્ય અસર છે અને ઈંધણ પર્યાવરણને અનુકૂળ બનાવવા માટેનો જરૂરી પગલું છે.