અભિનેત્રી અને સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ઉર્ફી જાવેદ છેલ્લા કેટલાક દિવસોથી તેના ધર્મ અને ઓળખને લઈને ચાલી રહેલી ચર્ચાઓના કેન્દ્રમાં રહી છે. સોશિયલ મીડિયા પર ફેલાયેલી અફવાઓ બાદ હવે ઉર્ફી જાવેદે ખુદ સામે આવીને સમગ્ર મામલે સ્પષ્ટતા કરી છે.
એક સમાચાર એજન્સી સાથેની વાતચીતમાં ઉર્ફી જાવેદે જણાવ્યું હતું કે તે કોઈ પણ ધર્મમાં માનતી નથી અને પોતે નાસ્તિક (Atheist) હોવાનું તેણે ઘણાં સમય પહેલા સ્વીકારી લીધું છે. ઉર્ફીએ કહ્યું,
“હું જે ધર્મમાં છું જ નહીં, ત્યાંથી મને બહાર કાઢવાની વાત કેવી રીતે થઈ શકે?”
આ સ્પષ્ટતા એવા સમયે આવી છે, જ્યારે સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર ફૈઝાન અન્સારી દ્વારા એક વીડિયો શેર કરવામાં આવ્યો હતો. વીડિયોમાં દાવો કરવામાં આવ્યો હતો કે મુસ્લિમ સમાજે ઉર્ફી જાવેદને ઇસ્લામમાંથી “બરખાસ્ત” કરવાનો નિર્ણય લીધો છે અને તેનું નામ બદલીને ‘ગીતા ભારદ્વાજ’ રાખવામાં આવ્યું છે.
ઉર્ફી જાવેદે આ તમામ દાવાઓને સંપૂર્ણપણે ખોટા અને પાયાવિહોણા ગણાવ્યા છે. તેણે સ્પષ્ટ કહ્યું કે તેના નામ બદલવાની કોઈ સત્તાવાર માહિતી નથી અને આવા દાવાઓ માત્ર સોશિયલ મીડિયા પર બનાવટી કહાણીઓ ફેલાવવા માટે કરવામાં આવી રહ્યા છે.
ઉર્ફી જાવેદે વધુમાં જણાવ્યું કે કોઈ વ્યક્તિ કે સમૂહને તેના ધર્મ, ઓળખ અથવા નામ બદલવાનો અધિકાર નથી. તેની વ્યક્તિગત માન્યતાઓ સંપૂર્ણપણે તેની પોતાની છે અને તેને લઈને ખોટી અફવાઓ ફેલાવવી બંધ થવી જોઈએ.
હાલમાં આ મુદ્દે સોશિયલ મીડિયા પર ચર્ચા યથાવત છે, પરંતુ ઉર્ફી જાવેદની સ્પષ્ટતા બાદ એટલું ચોક્કસ છે કે તેના ધર્મ અને નામ અંગે ચાલી રહેલી વાતો તેની સંમતિ અથવા કોઈ સત્તાવાર જાહેરાત પર આધારિત નથી.


Leave a Comment