સ્માર્ટફોનની વધતી કિંમતો વચ્ચે હવે ઘણા લોકો મોંઘા ફ્લેગશિપ ફોન સસ્તી કિંમતે મેળવવા માટે સેકન્ડ હેન્ડ અને રિફર્બિશ્ડ સ્માર્ટફોન તરફ વળી રહ્યા છે. જોકે, આ માર્કેટ જેટલું આકર્ષક લાગે છે, તેટલું જ જોખમી પણ છે. એક ખોટો નિર્ણય તમને મોટું નાણાકીય નુકસાન કરાવી શકે છે.
- IMEI નંબર ચેક કરવો સૌથી મહત્વપૂર્ણ
સેકન્ડ હેન્ડ ફોન ખરીદતા પહેલા તેનો IMEI નંબર CEIR પોર્ટલ પર જરૂર ચેક કરો. બ્લેકલિસ્ટેડ અથવા ચોરીનો ફોન કોઈ પણ સમયે નેટવર્ક પરથી બ્લોક થઈ શકે છે, જેના કારણે ફોન બેકાર બની જાય છે.
ફિઝિકલ કન્ડિશન પર રાખો ખાસ નજર
સ્ક્રીન પર લાઈનો, ટચ સમસ્યા, કલર બ્લીડ, વાંકી ફ્રેમ અથવા ઢીલા બટન ફોન પડી જવાની નિશાની હોઈ શકે છે. ચાર્જિંગ પોર્ટ, સ્પીકર અને કેમેરા લેન્સમાં ધૂળ કે ભેજ હોય તો એ રેડ ફ્લેગ છે.
- બેટરી હેલ્થ અવગણશો નહીં
યુઝ્ડ ફોનમાં બેટરી સૌથી ઝડપથી નબળી પડે છે. ફોન ઝડપથી ગરમ થતો હોય, ચાર્જ ધીમે લેતો હોય અથવા બેટરી જલ્દી ખાલી થતી હોય, તો ભવિષ્યમાં વધારાનો ખર્ચ આવી શકે છે.
- સોફ્ટવેર અને સિક્યુરિટી ચેક કરો
ફોનમાં પહેલાનું Google અથવા Apple એકાઉન્ટ લોગિન ન હોવું જોઈએ. જો ફેક્ટરી રીસેટ પછી પણ એકાઉન્ટ માગે, તો એવો ફોન ભવિષ્યમાં લોક થઈ શકે છે. સાથે જ સિક્યુરિટી અપડેટ્સ મળતા હોવા જરૂરી છે.
- રિફર્બિશ્ડ ફોન લેતાં વોરંટી સમજવી જરૂરી
દરેક રિફર્બિશ્ડ ફોન સમાન ગુણવત્તાનો હોતો નથી. વિશ્વસનીય પ્લેટફોર્મ પરથી ઓછામાં ઓછા 6 મહિનાની વોરંટી અને રિટર્ન પોલિસી સાથે ફોન ખરીદવો વધુ સુરક્ષિત વિકલ્પ છે.
- નેટવર્ક અને સેન્સર ટેસ્ટ જરૂર કરો
કોલિંગ, Wi-Fi, Bluetooth, GPS, માઈક, સ્પીકર અને ફિંગરપ્રિન્ટ/ફેસ અનલોક ખરીદી સમયે જ ચેક કરો. ઘણા ફોન બહારથી ઠીક લાગે છે પરંતુ અંદરથી ખામી ધરાવે છે.
- ખૂબ સસ્તા ફોનથી સાવધાન
માર્કેટ રેટ કરતાં ખૂબ ઓછી કિંમત હોય તો સાવચેત રહો. બિલ, બોક્સ અને એક્સેસરીઝ વગરનો ફોન સસ્તો હોય શકે છે, પરંતુ જોખમ પણ વધારે હોય છે.
- વિશ્વસનીય સોર્સથી ખરીદી કરો
ઓનલાઈન કે ઓફલાઈન — વેચનારના રિવ્યૂ, રેટિંગ અને આફ્ટર-સેલ્સ સપોર્ટ તપાસો. હંમેશા બિલ અને ટ્રાન્ઝેક્શન પ્રૂફ સાથે ખરીદી કરવી વધુ સમજદારીભર્યો નિર્ણય છે.


Leave a Comment