અમદાવાદમાં ગઈકાલે ઉત્તરાયણની ઉજવણી અનોખા અને રંગીન માહોલ સાથે જોવા મળી હતી. વહેલી સવારથી પવનની ગતિ ઓછી હોવા છતાં પતંગપ્રેમીઓ ઉત્સાહભેર અગાશી પર ચઢીને તહેવારની મજા માણતા નજરે પડ્યા હતા. મિત્રો, પરિવાર, સંગીત અને ખાણી-પીણી સાથે લોકોએ આખો દિવસ આનંદમાં પસાર કર્યો.
બપોર બાદ પવનમાં થોડો વધારો થતાં ઉત્તરાયણનો માહોલ જીવંત બન્યો. સાંજ પડતા જ શહેરના અનેક વિસ્તારોમાં ફટાકડાની ઝગમગાટ છવાઈ ગઈ હતી. સ્કાય શૉટ સહિત વિવિધ પ્રકારના ફટાકડાઓથી ઉત્તરાયણની સાંજએ દિવાળી જેવો માહોલ સર્જ્યો હતો.
કેટલાક વિસ્તારોમાં લોકોએ ગરબા અને ડાન્સ કરીને તહેવારની ખુશી વ્યક્ત કરી હતી. જોકે પવન અનુકૂળ ન હોવાથી આકાશમાં પતંગો ઓછા દેખાયા, તેમ છતાં લોકોના ઉત્સાહમાં કોઈ ઘટાડો જોવા મળ્યો નહોતો.
પતંગ ન ઉડી શકતાં અનેક લોકોએ મસાલેદાર ઊંધિયું, જલેબી, ફ્રુટ સલાડ જેવી પરંપરાગત વાનગીઓનો આનંદ લીધો. પતંગબાજોએ જણાવ્યું કે, “આ વર્ષે ઉત્તરાયણમાં પવન ઓછો રહ્યો, પરંતુ અમદાવાદમાં તહેવારની ઉજવણી હંમેશા ખાસ રહે છે.”
હવે પરંપરા મુજબ ઉજવાતી વાસી ઉત્તરાયણમાં સારો પવન મળશે તેવી પતંગરસિકોમાં આશા જોવા મળી રહી છે.


Leave a Comment