Vadodara Bomb Threat: કલેક્ટર કચેરીને બપોરે 1 વાગ્યે ઉડાવવાની ઈ-મેલથી ધમકી, પોલીસ-બોમ્બ સ્ક્વોડ દોડ્યું

by

Thenewsdk

Updated: 18-12-2025, 06.03 AM

Follow us:

વડોદરાની શાન ગણાતી અને વહીવટી ગઢ સમાન કલેક્ટર કચેરીને અનામી ઈ-મેલ દ્વારા બોમ્બથી ઉડાવી દેવાની ગંભીર ધમકી મળતા આજે સમગ્ર તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. ધમકીભર્યા મેલમાં સ્પષ્ટ રીતે લખવામાં આવ્યું હતું કે, “બપોરે 1 વાગ્યા સુધી કચેરી ખાલી કરાવો, નહીં તો આખી ઈમારતને બોમ્બથી ઉડાવી દેવામાં આવશે.”

આ મેલ મળતાની સાથે જ કલેક્ટર કચેરીના અધિકારીઓએ તાત્કાલિક પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી. ધમકીની ગંભીરતાને ધ્યાનમાં રાખીને વડોદરા પોલીસનો મોટો કાફલો એક્શન મોડમાં આવી ગયો હતો. અકોટા પોલીસ, એસઓજી, ક્રાઈમ બ્રાન્ચ ઉપરાંત બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ અને ડોગ સ્ક્વોડની ટીમોએ કલેક્ટર કચેરી સંકુલમાં સઘન તપાસ શરૂ કરી હતી. સમગ્ર પરિસર પોલીસ છાવણીમાં ફેરવાઈ ગયું હતું.

સલામતીના કારણોસર કચેરીમાં કાર્યરત કર્મચારીઓ અને હાજર અરજદારોને તાત્કાલિક બહાર કાઢવામાં આવ્યા હતા. અરજદારો માટે પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો અને કચેરીની કામગીરી કલાકો સુધી ખોરવાઈ ગઈ હતી. અચાનક સર્જાયેલી પરિસ્થિતિને કારણે લોકોમાં ભય અને ગભરાટનો માહોલ જોવા મળ્યો હતો.

પોલીસ અને બોમ્બ સ્ક્વોડ દ્વારા કચેરીના તમામ વિભાગો, રેકોર્ડ રૂમ, વહીવટી શાખાઓ તથા પાર્કિંગ વિસ્તારની આધુનિક સાધનો વડે બારીક તપાસ કરવામાં આવી રહી છે. કોઈ શંકાસ્પદ કે લાવારિસ વસ્તુ મળી આવે તો તેને નિષ્ક્રિય કરવા માટે તમામ તૈયારીઓ રાખવામાં આવી છે.

આ સાથે જ વડોદરા સાયબર ક્રાઈમની ટીમે ધમકીભર્યો ઈ-મેલ કયા આઈપી એડ્રેસ પરથી મોકલાયો છે તેની ટેકનિકલ તપાસ શરૂ કરી છે. આ કોઈ અસામાજિક તત્વની મજાક છે કે કોઈ ગંભીર કાવતરું, તે દિશામાં તપાસ આગળ વધી રહી છે. ઉચ્ચ પોલીસ અધિકારીઓ સમગ્ર ઓપરેશન પર જાતે નજર રાખી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગત રોજ અમદાવાદ અને ગાંધીનગર વિસ્તારની અનેક સ્કૂલોને પણ બોમ્બ ધમકીભર્યા ઈ-મેલ મળ્યા હતા. હવે વડોદરા કલેક્ટર કચેરીને મળેલી ધમકીએ રાજ્યભરમાં સુરક્ષા વ્યવસ્થાઓ અંગે ગંભીર સવાલો ઊભા કર્યા છે.

Leave a Comment

About Us

THE NEWS DK સોશિયલ મીડિયા પર પણ સક્રિય છે. THE NEWS DK સમગ્ર ભારતમાં સમાચાર અને માહિતી આપવાનું કામ કરે છે. રાજકારણ, સમાજ સેવા, અર્થશાસ્ત્ર, વિજ્ઞાન, અપરાધ, રમતગમત, આરોગ્ય, ટેક, ફૂડ્સ, બિઝનેસ અને ટેકનોલોજી એ એક પોર્ટલ છે જે લોકોને મફતમાં વધુ માહિતી ઉપલબ્ધ કરાવે છે.