- પાણી અને રોડની સમસ્યા સાથે નદીને નાળું ન બનાવવાની રહીશોની માગ
- કાંસનું પુરાણ થાય તો વૈકુંઠ બંગ્લોઝ, વૈકુંઠ-2, સિદ્ધાર્થપાર્ક અને ખોડિયારનગરમાં પાણી ભરાવાની દહેશત
- ચોમાસામાં પણ રોજની 20 થી 25 ટેન્કરો મંગાવવી પડે છે
શહેરમાં સર્જાયેલી પુરની પરિસ્થિતિ બાદ ભાજપના નેતાઓ પ્રત્યે લોકોમાં ભારે રોષ છે, ત્યારે આજે ન્યુ વી.આઈ.પી. રોડ પર આવેલી સાંઈદીપનગર સોસાયટીના રહિશોએ પણ કોઈપણ રાજકિય પાર્ટીના નેતા અને કાર્યકરોએ પ્રવેશ કરવો નહીં, તેવા બૉર્ડ લગાવ્યા છે.
સાંઈદીપનગર સોસાયટીના રહિશ મહેન્દ્રભાઈ પટેલે જણાવ્યું હતું કે, વૉર્ડ નં.4ના કોર્પોરેટરો અજીત દધીચ, રાખીબેન શાહ, પિન્કીબેન સોની અને વિનોદ ભરવાડની ઉપસ્થિતિમાં બે વર્ષ પહેલા ધારાસભ્ય મનીષા વકીલે રોડના કામનુખાતમૂર્હૂત કર્યુ હતું, પરંતુ હજૂ સુધી રોડ બન્યો નથી. અમારી સોસાયટીમાં છેલ્લા ઘણાં સમયથી પીવાના પાણીની સમસ્યા છે. ચોમાસામાં પણ રોજની 20 થી 25 ટેન્કરો મંગાવવી પડે છે. હવે, સોસાયટીની બહાર 200થી 250 ફૂટ પહોળી વરસાદી કાંસ છે. જેમાંથી વિના અવરોધે પાણી વહે છે, પરંતુ કોર્પોરેશનનું તંત્ર આ વરસાદી કાંસને 200 ફૂટમાંથી 10 ફૂટનું કરે છે. જે માટે માટીના ઢગલા નાંખી રાતોરાત પુરાણ કરવામાં આવી રહ્યું છે. જે રીતે વારસિયા રીંગ રોડ પર હોસ્પિટલ અને બાલીજી ગ્રૂપને કાંસની જગ્યાઓ પુરાણ કરીને આપી છે, તેવી રીતે અહીં કરવા જાય છે, પરંતુ અમને કોઈ સંજોગામાં પરવડે તેમ નથી. આ કાંસનું પુરાણ થાય તો વૈકુઠ બંગ્લોઝ, સાંઈદીપનગર, ભરવાડવાસ, આંબાપુરા, વૈકુંઠ-2, સિધ્ધાર્થપાર્ક અને ખોડિયારનગરના પાછળના ભાગમાં આવેલા આશરે 6 હજાર મકાનોમાં ઓછામાં ઓછા 8 થી 10 ફૂટ પાણી આવે તેમ છે. જેથી આજે સોસાયટીમાં કોઈપણ રાજકિય પાર્ટીના નેતા અને કાર્યકર્તાઓએ પ્રવેશ કરવો નહીં, તેવું લગાવ્યું છે. અમારી માંગણી છે કે, સોસાયટીમાં પીવાનું પાણી આપો. ધારાસભ્યના ક્વોટામાંથી મંજૂર થયેલો રોડ બનાવો અને સોસાયટીની બહારથી પસાર થતી નદીને નાળુ ન બનાવી તેની પહોળાઈ યથાવત રહેવા દેવામાં આવે.
Source link