- 7 મહિના સૂઈ રહ્યાં, હવે ‘ઘોડા છૂટયાં પછી તબેલાને તાળું મારશે’
- હવે આજવા ચોકડીથી જામ્બુવા તરફના દબાણો હટાવાશે
- શહેરની આજવા ચોકડીથી ગોલ્ડન ચોકડી સુધી પાણીના અવરોધરૂપ દબાણો દૂર કરાયાં.
ભવિષ્ય તો ભાખી નથી શકતા, પરંતુ ભૂતકાળની ઘટનાઓ પરથી બોધપાઠ પણ નહીં લેનારા કોર્પોરેશનના ‘ઢ’ એન્જિનિયરોને ઘોડા છૂટી ગયા પછી તબેલાને તાળા મારવાની જૂની આદત છે. પૂરથી વડોદરા તબાહ થઈ ગયુ ત્યારે હાઈવેની સમાંતર કાંસ પર પાણીને અવરોધરૂપ થતા દબાણોને હવે હટાવવાનુ શરૂ કર્યુ છે.
આમ તો, દર વર્ષે ફેબ્રુઆરી મહિનાથી પ્રી મોનસૂન કામગીરી શરૂ કરી દેવાની હોય છે, પરંતુ કોર્પોરેશનનુ તંત્ર છેલ્લે છેલ્લે બે-ત્રણ મહિનામાં જાગે છે અને કાગળ પર સઘન કામગીરી બતાવી દે છે અને ભ્રષ્ટ અધિકારીઓ અને પદાધિકારીઓ માનિતા કોન્ટ્રાક્ટરોને લાખો- કરોડોના બિલો ચૂકવીને જલસાં કરાવી દે છે. પરંતુ ખરાં અર્થમાં પ્રી મોનસૂન કામગીરી થતી નથી અને પછી શહેરીજનોએ ભોગવવુ પડે છે.
વિશ્વામિત્રી કિનારે ઝૂપડાથી માંડીને તોતિંગ બિલ્ડિંગના દબાણો છે. રૂપારેલ, મસીયા અને ભૂખી કાંસ પર દબાણો છે. જે વિશે તો શહેરની ગલીઓમાં બોલ-બેટ રમતા બાળકો પણ જાણે છે, પરંતુ ભાજપના દબાણને કારણે કોર્પોરેશનનુ તંત્ર દબાણકોરાના ખોળામાં બેસી ગયુ છે. તે દબાણો તોડતા નથી.
પૂરને કારણે આખુ વડોદરા બેહાલ અને પાયમાલ થઈ ગયુ હવે નાના નાના દબાણો હટાવીને લોકો વચ્ચે ભાજપ અને ભાજપ શાસિત કોર્પોરેશનની છાપ સુધારવાનો પ્રયાસ થઈ રહ્યો છે. વિશ્વામિત્રી કિનારાની ગેરકાયદે બિલ્ડીંગોને આંગણી નહીં અડાવી શકનાર કોર્પોરેશને હાઈવેની સમાંતર વરસાદી પાણીના નિકાલ માટેની કાંસ પર થયેલા નાના નાના દબાણો હટાવવાનુ શરૂ કર્યુ છે.
આજવા ચોકડીથી ગોલ્ડન ચોકડી સુધીની વરસાદી કાંસ પર જ્યાં બોટલ નેક થતુ હતુ, ત્યાંના દબાણો આજે કોર્પોરેશને હટાવ્યા હતાં. જેથી પાણીના ફ્લોમાં કોઈ અવરોધ ન સર્જાય. તેમજ હાઈવે પર સિધ્ધેશ્વર પાસે અને સિમેન્સ કંપનીના એપ્રેચ પાસે પાણીના નિકાલ માટે વધારાની પાઈપો નાખવાની પણ કામગીરી કરી હતી.
આવતીકાલથી આજવા ચોકડીથી જામ્બુવા તરફ જતી આ કાંસ પરના દબાણો હટાવવામાં આવશે તેવુ કોર્પોરેશનના સૂત્રોમાંથી જાણવા મળ્યું છે.
Source link