Valsad : નશામાં ધૂત કાર ચાલકે અનેક વાહન અને પશુને કચડ્યા, સ્થાનિકોએ કપડાં કાઢીને ધમાર્યો

વલસાડ જિલ્લામાં મોડી રાત્રે ધરમપુર ચોકડીથી આરઓબી બ્રિજ તરફ જતા રસ્તે કારચાલકે પૂરપાટ ઝડપે અને બેદરકારીથી વાહન ચલાવ્યું હતું. આ દરમિયાન તેણે રોડ પર પાર્ક કરેલાં વાહનોને અને રસ્તા પર બેસેલા પશુઓને ટક્કર મારી હતી.
અકસ્માતમાં બે વ્યક્તિને ઈજા થતાં તેમને સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ઘટના બાદ ગુસ્સે ભરાયેલા સ્થાનિકોએ દારૂડિયા કારચાલકને કપડાં કાઢીને ફટકાર્યા બાદ પોલીસને સોંપ્યો હતો.
કારમાંથી ‘પોલીસ’ લખેલી પ્લેટ પણ મળી
બીજી તરફ કારચાલક અકસ્માત કરીને ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, જોકે સ્થાનિક લોકોએ કારનો પીછો કરીને તેને પકડી પાડ્યો હતો. ચાલક દારૂના નશામાં હોવાનું જાણતાં ગુસ્સે થયેલા લોકોએ તેને માર પણ માર્યો હતો. કારમાંથી ‘પોલીસ’ લખેલી પ્લેટ પણ મળી આવી છે. વલસાડ સિટી પોલીસે આરોપી વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.
પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી
સમગ્ર મામલે પોલીસ કંટ્રોલ રૂમને જાણ થતા વલસાડ સિટી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે કાર ચાલકને કસ્ટડીમાં લીધો છે. જોકે, પોલીસ લખેલી નંબર પ્લેટને લઈને પણ પોલીસે તપાસ હાથ ધરી છે.