- રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે વંદે ભારત સ્લીપર કોચના પ્રોટોટાઇપનું અનાવરણ કર્યું
- વંદે ભારત સ્લીપર ટ્રેન આગામી ત્રણ મહિનામાં મુસાફરો માટે કાર્યરત થવાની અપેક્ષા
- વંદે ભારતનું સ્લીપર ટ્રેન સેફ્ટી ફીચર્સ ઉપરાંત વર્ઝન વર્લ્ડ ક્લાસ ફીચર્સથી સજ્જ
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે રવિવારે બેંગલુરુમાં BEML સુવિધામાં બહુપ્રતિક્ષિત વંદે ભારત સ્લીપર કોચના પ્રોટોટાઇપનું અનાવરણ કર્યું. વધુ પરીક્ષણ માટે ટ્રેક પર ઉતરતા પહેલા કોચને 10 દિવસની સખત અજમાયશમાંથી પસાર થવું પડશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, વંદે ભારત ચેર કાર પછી અમે વંદે ભારત સ્લીપર કોચ પર કામ કરી રહ્યા હતા. તેનું નિર્માણ હવે પૂર્ણ થઈ ગયું છે. આ ટ્રેન આજે BEML સુવિધાથી ટ્રાયલ અને ટેસ્ટિંગ માટે રવાના થશે.
દર મહિને બેથી ત્રણ ટ્રેનો દોડાવવાની યોજના
રેલવે મંત્રીએ નવા સ્લીપર કોચનું નિરીક્ષણ કર્યું અને તેની ડિઝાઇન અને ઉત્પાદન કરનારા રેલવે કર્મચારીઓ સાથે વાતચીત કરી છે. તેમણે નવા સ્લીપર કોચ અને હાલના કોચ વચ્ચેના મુખ્ય તફાવતો પર પ્રકાશ પાડ્યો, ખાસ કરીને ઝડપ, સલામતી અને મુસાફરોની સુવિધાઓના સંદર્ભમાં. વૈષ્ણવે જાહેરાત કરી કે, વંદે ભારત સ્લીપર ટ્રેન આગામી ત્રણ મહિનામાં મુસાફરો માટે કાર્યરત થવાની અપેક્ષા છે. તેમણે માહિતી આપી હતી કે, એક વખત પ્રોટોટાઈપની ટ્રાયલ પૂર્ણ થઈ જાય પછી વંદે ભારત સ્લીપરનું મોટા પાયે ઉત્પાદન શરૂ થશે. ઉત્પાદન શરૂ થયાના શરૂઆતના દોઢ વર્ષ પછી દર મહિને બેથી ત્રણ ટ્રેનો દોડાવવાની યોજના છે.
વંદે ભારત સ્લીપર ટ્રેનમાં 16 કોચ હશે
રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, અમે વંદે ભારત ટ્રેનની ડિઝાઇનમાં સતત સુધારો કરી રહ્યા છીએ. અમે અનુભવમાંથી શીખીએ છીએ અને તેને વધુ સારું બનાવી રહ્યા છીએ. આ જ પદ્ધતિ વંદે ભારત મેટ્રો માટે પણ અપનાવવામાં આવશે. વંદે ભારતનું સ્લીપર વર્ઝન 800 થી 1,200 કિલોમીટરની ઓવરનાઈટ મુસાફરી માટે તૈયાર કરવામાં આવ્યું છે. દરેક વંદે ભારત સ્લીપર ટ્રેનમાં 16 કોચ હશે. જેમાં 11 એસી થ્રી-ટાયર (611 બર્થ), ચાર એસી ટુ-ટાયર (188 બર્થ) અને એક એસી ફર્સ્ટ ક્લાસ કોચ (24 બર્થ) હશે. એક ટ્રેનમાં કુલ 823 બર્થ હશે. આ ટ્રેનસેટ 160 કિમી પ્રતિ કલાકની ઝડપે દોડવા સક્ષમ હશે, જેમાં આધુનિક સુરક્ષા સુવિધાઓ હશે.
વંદે ભારત સ્લીપર ટ્રેનનું ભાડું રાજધાની એક્સપ્રેસ જેટલું હશે
સેફ્ટી ફીચર્સ ઉપરાંત વંદે ભારતનું સ્લીપર વર્ઝન વર્લ્ડ ક્લાસ ફીચર્સથી સજ્જ છે. તેમાં યુએસબી ચાર્જિંગ પોઈન્ટની સાથે ઈંટીગ્રેટેડ રીડિંગ લાઈટ, વિઝ્યુઅલ ઈન્ફોર્મેશન સિસ્ટમ, મોડ્યુલર પેન્ટ્રી અને વિકલાંગ મુસાફરો માટે વિશેષ બર્થ અને શૌચાલય આપવામાં આવ્યા છે. ફર્સ્ટ એસી કોચમાં ગરમ પાણીના શાવરની પણ સુવિધા હશે. જેનાથી લાંબી મુસાફરીમાં મુસાફરોની સુવિધામાં વધારો થશે. અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, આ ટ્રેન મધ્યમ વર્ગ માટે હશે, જેનું ભાડું રાજધાની એક્સપ્રેસ જેટલું હશે. તેમણે વધુમાં કહ્યું કે, વંદે ભારત સ્લીપર ટ્રેનનો હેતુ આરામદાયક અને આર્થિક મુસાફરીનો અનુભવ આપવાનો છે.
Source link