Vav tharad: નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાના SP તરીકે IPS Chintan Teraiyaની નિમણૂક

રાજ્ય સરકારે નવા વાવ-થરાદ જિલ્લાના વહીવટને મજબૂત કરવા માટે મહત્વની બદલી અને નિયુક્તિઓ જાહેર કરી છે. વેઇટિંગ ફોર પોસ્ટિંગ રહેલા IPS અધિકારી ધર્મેન્દ્ર શર્માને બોટાદ જિલ્લાના સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ (SP) તરીકે નિમણૂક કરવામાં આવી છે.
આ સાથે હાલમાં બોટાદ SP તરીકે કાર્યરત IPS ચિંતન તૈરૈયાની બદલી કરીને તેમને નવા રચાયેલા વાવ-થરાદ જિલ્લાના SP તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. આ નિર્ણયથી નવા જિલ્લાની પોલીસ વ્યવસ્થાને તાત્કાલિક મજબૂતી મળશે.
હવે નવા જિલ્લાની જવાબદારી સંભાળશે
આ બદલીઓ રાજ્યના હોમ વિભાગ દ્વારા જારી કરવામાં આવી છે, જેમાં નવા જિલ્લાની રચના પછી વહીવટી અને કાયદા-વ્યવસ્થા વિભાગોમાં સુગમતા લાવવા પર ભાર મુકાયો છે. વાવ-થરાદ જિલ્લો બનાસકાંઠા જિલ્લામાંથી અલગ થઈને રચાયો છે, તેમાં વાવ, થરાદ, ધાનેરા, લાખણી, દિયોદર, ભાભર, કાંકરેજ અને સુઈગામ તાલુકાઓનો સમાવેશ થાય છે.
આ જિલ્લાના મુખ્ય મથક થરાદમાં કાયદા-વ્યવસ્થા અને વિકાસ કાર્યોને વેગ આપવા માટે અનુભવી IPS અધિકારીની જરૂરિયાત હતી. ચિંતન તૈરૈયા જેઓ અગાઉ મુખ્યમંત્રી અને VIP સુરક્ષા વિભાગમાં કાર્યરત હતા અને તાજેતરમાં બોટાદ SP તરીકે કામ કરતા હતા, તેઓ હવે નવા જિલ્લાની જવાબદારી સંભાળશે.
IPS અધિકારી ધર્મેન્દ્ર શર્માને બોટાદ જિલ્લાના SP તરીકે નિમણૂક
ધર્મેન્દ્ર શર્મા જેઓ CID (ક્રાઈમ)માં SP તરીકે કાર્યરત હતા અને તાજેતરમાં વેઇટિંગ ફોર પોસ્ટિંગમાં હતા, તેમને બોટાદ જિલ્લાના SP તરીકે નિમણૂક કરવામાં આવી છે. તેમના અનુભવને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવાયો છે, જેથી બોટાદ જિલ્લામાં કાયદા-વ્યવસ્થા અને ક્રાઈમ કંટ્રોલને મજબૂતી મળે.
આ બદલીઓથી રાજ્યના પોલીસ વિભાગમાં વહીવટી સુગમતા વધશે અને નવા જિલ્લાના નાગરિકોને વધુ સારી સુરક્ષા મળશે તેવી અપેક્ષા છે. હોમ વિભાગના અધિકારીઓ અનુસાર, આ નિર્ણય દિવાળી તહેવારોને ધ્યાનમાં રાખીને લેવાયો છે, જેથી કાયદા-વ્યવસ્થા અનિયંત્રિત રહે.