હિમાચલ પ્રદેશમાં હવામાન બદલાતા લાહુલ અને મનાલી જેવા પ્રવાસન સ્થળોએ ભારે બરફવર્ષા થઈ રહી છે. અટલ ટનલની અંદર અને બહાર લગભગ 12 કિલોમીટર વિસ્તારમાં 800થી વધુ પ્રવાસીઓની ગાડીઓ ફસાઈ ગઈ છે. આ પ્રવાસીઓ રવિવાર સાંજથી અહીં અટવાયેલા છે. ભારે બરફવર્ષાને કારણે રસ્તા પર બરફ જામી ગયો છે અને ગાડીઓ સરકી રહી છે. આ કારણે પ્રવાસીઓ અહીંથી બહાર નીકળી શકતા નથી. ઘણા પ્રવાસીઓને પોતાની ગાડીમાં જ રાત પસાર કરવી પડી હતી.
ટનલમાં બંને લેનમાં ગાડીઓનો જમાવડો
નવ કિલોમીટર લાંબી અટલ ટનલની અંદર પ્રવાસીઓએ બંને લેનમાં ગાડીઓ ઉભી રાખી દીધી હતી, જેના કારણે મુશ્કેલી વધુ વધી ગઈ હતી. મશીનરી પણ ટનલના બીજા છેડે પહોંચી શકતી ન હતી. બધા પ્રવાસીઓ લાહુલમાંથી મનાલી તરફ આવી રહ્યા હતા, પરંતુ ભારે બરફવર્ષાને કારણે રસ્તામાં જ ફસાઈ ગયા હતા.
રસ્તા પર કાચની જેમ બરફ જામ્યો
રસ્તા પર બરફ કાચની જેવી જામી જતા ગાડીઓ લપસવા લાગી હતી અને ઘણી ગાડીઓનું નિયંત્રણ પણ બગડી ગયું હતું. પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને પોલીસ દ્વારા આખી રાત બચાવ કામગીરી ચલાવવામાં આવી. પોલીસ અને BROની ટીમોએ મળીને કામ કરતા મોટાભાગની ગાડીઓ અને તેમાં સવાર લોકોને મનાલી તરફ સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા છે.
લગભગ 30 ટકા લોકોનું રેસ્ક્યુ હજુ ચાલુ
અટલ ટનલ રોહતાંગ પાસે લગભગ એક ફૂટ જેટલો બરફ પડી ચૂક્યો છે. પ્રશાસન બપોરે 12 વાગ્યા સુધીમાં લગભગ 70 ટકા લોકોને ફોર બાય ફોર ગાડીઓ દ્વારા બચાવીને મનાલી પહોંચાડી દીધા છે. બાકી રહેલા લગભગ 30 ટકા લોકોનું રેસ્ક્યુ હજુ ચાલુ છે. મનાલીના ડીએસપી કેડી શર્મા અને પોલીસ ટીમ આખી રાત ઘટનાસ્થળે કામ કરતી રહી. એસડીએમ રમન કુમાર સવારે ચાર વાગ્યે ઘટનાસ્થળે પાછા ફર્યા.


Leave a Comment