વેરાવળ | ગીર સોમનાથ : ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી ગામે આજે સવારે એક હૃદયદ્રાવક ઘટનાએ સમગ્ર વિસ્તારમાં ચકચાર ફેલાવી દીધી છે. લાંબા સમયથી ચાલી રહેલા દાંપત્ય વિવાદનો અંત એક ભયાનક હત્યા અને આત્મહત્યામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર, હીનાબેન (ઉંમર અંદાજે 42 વર્ષ) છેલ્લા આઠ મહિનાથી પતિ વિનોદભાઈથી અલગ રહીને પોતાના પિયરમાં રહેતા હતા. દંપતી વચ્ચે સતત ઝઘડા અને મતભેદો ચાલતા હતા. આજે સવારે વિનોદભાઈ અચાનક ડારી ગામે પહોંચ્યા હતા, જ્યાં બોલાચાલી ઉગ્ર બની ગઈ અને ગુસ્સામાં આવી વિનોદભાઈએ હીનાબેન પર છરી વડે જીવલેણ હુમલો કર્યો હતો.
ગંભીર રીતે ઘાયલ થયેલ હીનાબેનને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, પરંતુ સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. હત્યા બાદ વિનોદભાઈ ઘટનાસ્થળે પોતાનું બાઈક અને હથિયાર મૂકીને ફરાર થઈ ગયા હતા. જોકે થોડા જ સમયમાં તેઓએ પણ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાનું બહાર આવ્યું છે.
પોલીસ તપાસમાં ખુલ્યું છે કે વિનોદભાઈ પત્નીના ચારિત્ર્ય અંગે શંકા રાખતા હતા, જેના કારણે વારંવાર ઝઘડા થતા હતા. આ માનસિક અને શારીરિક ત્રાસથી કંટાળીને હીનાબેન પિયરમાં રહેવા મજબૂર બન્યા હતા. તેમણે મહિલા પોલીસ મથકે ફરિયાદ તથા કોર્ટમાં ભરણપોષણનો કેસ પણ દાખલ કર્યો હતો.
આ કરુણ ઘટનામાં દંપતીના 21 અને 19 વર્ષના બે પુત્રોએ એક જ દિવસમાં માતા-પિતા બંનેને ગુમાવ્યા છે. ઘટનાની જાણ થતા પોલીસનો કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને પંચનામા સહિતની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી આગળની તપાસ શરૂ કરી છે.


Leave a Comment