ક્રિકેટ જગતના સૌથી લોકપ્રિય ખેલાડીઓમાંના એક વિરાટ કોહલીને લઈને શુક્રવારે સોશિયલ મીડિયા પર અચાનક ચર્ચાનો વંટોળ ઊભો થયો હતો. કરોડો ફેન્સ માટે આશ્ચર્યજનક રીતે વિરાટ કોહલીનું ઓફિશિયલ ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ સર્ચમાંથી ગાયબ થઈ ગયું હતું. યુઝર્સ જ્યારે તેમની પ્રોફાઇલ ખોલવાનો પ્રયાસ કરતા, ત્યારે સ્ક્રીન પર ‘Profile isn’t available’ એવો મેસેજ દેખાતો હતો.

આ ઘટનાએ તરત જ હેકિંગ, ટેક્નિકલ ખામી અથવા જાણબૂઝીને એકાઉન્ટ ડિએક્ટિવેટ કરાયું હોવાની અટકળોને જન્મ આપ્યો. મામલો ત્યારે વધુ ચર્ચાસ્પદ બન્યો જ્યારે જાણવા મળ્યું કે વિરાટના ભાઈ વિકાસ કોહલીનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પણ એ જ સમયગાળામાં ગાયબ થઈ ગયું હતું. બંને એકાઉન્ટ એકસાથે અદૃશ્ય થતાં ફેન્સમાં ચિંતા વધી ગઈ હતી.
રોહિત શર્માની સ્ટોરીએ વધાર્યો સસ્પેન્સ
આ રહસ્યને વધુ ઊંડું બનાવતી ઘટના એ હતી કે વિરાટનું એકાઉન્ટ ગાયબ થવાના થોડા સમય પહેલાં જ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ ઇન્સ્ટાગ્રામ પર ‘Something big is coming’ લખેલી સ્ટોરી શેર કરી હતી, જેમાં #Collab હેશટેગનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ પછી નેટીઝન્સે અનુમાન લગાવવાનું શરૂ કર્યું કે આ ઘટના કદાચ કોઈ મોટા બ્રાન્ડ કોલેબોરેશન અથવા પ્રમોશનલ કેમ્પેઈનનો ભાગ હોઈ શકે છે.
મીમ્સ અને મજાકનો માહોલ
ઇન્ટરનેટ પર આ મુદ્દો જલ્દી જ મજાકીય સ્વરૂપમાં ફેરવાઈ ગયો. વાયરલ થઈ રહેલા ‘missing penguin’ ટ્રેન્ડ સાથે વિરાટ કોહલીના ગાયબ એકાઉન્ટને જોડીને અનેક મીમ્સ બન્યા. કેટલાક યુઝર્સે લખ્યું, “2026 ગાયબ થવાનું વર્ષ છે”. મીમ્સ સોશિયલ મીડિયા પર ભારે વાયરલ થયા અને ફેન્સ વચ્ચે હળવો મજાકનો માહોલ સર્જાયો.

બીજી તરફ, ચિંતિત ચાહકો અનુષ્કા શર્માના ઇન્સ્ટાગ્રામ પર જઈને ‘ભાભી, ભાઈનું એકાઉન્ટ ક્યાં ગયું?’ જેવી કોમેન્ટ્સ કરતા જોવા મળ્યા. જોકે, અનુષ્કા તરફથી પણ કોઈ સ્પષ્ટ પ્રતિક્રિયા સામે આવી ન હતી. રાહતની વાત એ છે કે વિરાટ કોહલીનું X (Twitter) એકાઉન્ટ સંપૂર્ણપણે સક્રિય રહ્યું.
ક્રિકેટમાં વિરાટનો જબરદસ્ત ફોર્મ
સોશિયલ મીડિયા પર ભલે સસ્પેન્સ છવાયેલું હોય, પરંતુ ક્રિકેટ મેદાન પર વિરાટ કોહલીનું પ્રદર્શન શાનદાર રહ્યું છે. 37 વર્ષીય કોહલીએ તાજેતરની ન્યૂઝીલેન્ડ સામેની વનડે સિરીઝમાં છેલ્લી 9 મેચોમાં 616 રન અને 3 સદી ફટકારી પોતાની ક્લાસ સાબિત કરી છે. સિરીઝ બાદ તેઓ લંડન પરત ફર્યા છે.
આગામી સમયમાં વિરાટ કોહલી IPL 2026માં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) માટે રમતા જોવા મળશે, જ્યાં ટીમ પોતાનું ખિતાબ બચાવવાનો પ્રયાસ કરશે. આમ, ઇન્સ્ટાગ્રામ ગાયબ હોવા છતાં, ક્રિકેટ જગતમાં વિરાટ કોહલીનો પ્રભાવ અડગ છે.


Leave a Comment