વિજય અને રશ્મિકાના લગ્નમાં દક્ષિણ ભારતની સમૃદ્ધ સંસ્કૃતિની ઝલક જોવા મળી હતી. સવારના સમયે વિજય દેવરકોંડાની પરંપરા મુજબ તેલુગુ રિવાજો અનુસાર લગ્ન વિધિ સંપન્ન કરવામાં આવી હતી. જ્યારે સાંજના સમયે રશ્મિકાના વતન કુર્ગના પ્રખ્યાત ‘કોડાવ’ રિવાજો અનુસાર લગ્નની બાકીની વિધિઓ અને પ્રતિજ્ઞાઓ લેવામાં આવી હતી. લગ્નના પોશાકમાં આ કપલ કોઈ શાહી જોડી જેવું ભવ્ય લાગતું હતું. દુલ્હન બનેલી રશ્મિકાની સુંદરતા અને વિજયનો ટ્રેડિશનલ લુક જોઈને ચાહકો તેમને ‘પરફેક્ટ મેચ’ ગણાવી રહ્યા છે.
‘VIROSH’ની સફર, સેટ પરથી સાત ફેરા સુધી
ચાહકોએ આ જોડીને પ્રેમથી ‘VIROSH’ (વિજય + રશ્મિકા) નામ આપ્યું છે, અને આ પ્રેમને માન આપતા કપલે પોતાના લગ્નને પણ સત્તાવાર રીતે “VIROSH’s Wedding” તરીકે ઓળખાવ્યું છે. તેમની પ્રેમકથા વર્ષ 2017 માં સુપરહિટ ફિલ્મ ‘ગીથા ગોવિંદમ’ ના સેટ પર શરૂ થઈ હતી.
ફિલ્મના શૂટિંગ દરમિયાન શરૂ થયેલી મિત્રતા ક્યારે પ્રેમમાં બદલાઈ ગઈ તે બંનેને પણ ખબર ન રહી. ત્યારબાદ ‘ડિયર કોમરેડ’ ફિલ્મમાં તેમની ઓનસ્ક્રીન કેમિસ્ટ્રીએ પ્રેક્ષકોના દિલ જીતી લીધા હતા. લાંબા સમય સુધી પોતાના સંબંધોને ગુપ્ત રાખ્યા બાદ, ગયા ઓક્ટોબરમાં આ જોડીએ ખાનગીમાં સગાઈ કરી હતી અને હવે ઉદયપુરમાં લગ્ન કરીને પોતાના સંબંધો પર મહોર મારી દીધી છે.
હૈદરાબાદમાં યોજાશે ભવ્ય રિસેપ્શન
ઉદયપુરમાં યોજાયેલા આ લગ્ન સમારોહમાં માત્ર પરિવારના સભ્યો અને નજીકના મિત્રો જ હાજર રહ્યા હતા. જોકે, ફિલ્મ ઉદ્યોગના સાથી કલાકારો અને મિત્રો માટે 4 માર્ચના રોજ હૈદરાબાદમાં એક ભવ્ય રિસેપ્શનનું આયોજન કરવામાં આવ્યું છે. આ રિસેપ્શનમાં દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને બોલિવૂડના દિગ્ગજ સ્ટાર્સ હાજરી આપે તેવી શક્યતા છે.


Leave a Comment